‘લાલબાગચા રાજા’ને મળેલી ભેટસોગાદોની હરાજી; પહેલા દિવસે રૂ. દોઢ કરોડ ઉપજ્યા

મુંબઈ – મધ્ય મુંબઈના સુપ્રસિદ્ધ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ‘લાલબાગચા રાજા’ને આ વખતના ગણેશોત્સવમાં ભક્તો તરફથી મળેલી ભેટસોગાદોની હરાજી કરવામાં આવી રહી છે. ગઈ કાલે સોમવારે પહેલા દિવસે યોજાઈ ગયેલી હરાજીમાં ગણપતિબાપાને ભેટમાં મળેલી કિંમતી ચીજવસ્તુઓમાંથી મંડળને રૂ. દોઢ કરોડની આવક થઈ છે.

સૌથી ઊંચી રકમમાં વેચાઈ સોનાનો થાળી-સેટ, જેમાં થાળી ઉપરાંત સોનાનાં બે ગ્લાસ, બે વાટકા અને બે ચમચીનો સમાવેશ થાય છે. એ બધાયનું કુલ વજન 1.237 કિલોગ્રામ હતું. આ સેટના વેચાણથી રૂ. 40 લાખ ઉપજ્યા છે.

કુલ રૂ. 6 કરોડ 50 લાખની કિંમતની ચીજવસ્તુઓ લિલામમાં મૂકવામાં આવી છે. એમાં 4.2 કિલોગ્રામ સોનું અને 80 કિલોગ્રામ ચાંદી છે.

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગણપતિબાપાને 21 ગ્રામ વજનનો સોનાનો હાર દાનમાં આપ્યો હતો. એના રૂ. 1.11 લાખ ઉપજ્યા છે. આ હાર શિલ્પાની જ એક પ્રશંસકે ખરીદ્યો હતો.

લાલબાગચા રાજા મંડળે આ વખતની હરાજીમાં મૂષક, સોનાની થાળી/પ્લેટ, ગદા, મુગટ, સોનાની લગડી, સોનાનો મોદક, શાલ, ચાંદીનું શ્રીફળ, સોનાની વીંટી, સોનાની ચેન, સોનાનું ઘર વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

હરાજી ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે શરૂ કરવામાં આવી હતી અને રાતે 9 વાગ્યા સુધી ચાલી હતી. આ હરાજી વિશે સંચાલક મંડળ દ્વારા ‘લાલબાગચા રાજા’ ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી હતી.

મુંબઈભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

લિલામ હજી બે દિવસ ચાલશે. ગણપતિબાપાને ભક્તો તરફથી રોકડ રકમ પણ ભેટ ધરવામાં આવી છે. એની પણ ગણતરી મંડળના પ્રાંગણમાં કરવામાં આવી રહી છે.

નાના વેદક નામના એક ભક્તે કહ્યું કે, મેં બાપાની 5.8 કિલોગ્રામ વજનની ચાંદીની ગદા રૂ. 2.25 લાખમાં ખરીદી છે. હું પ્રોફેશનલ જ્વેલર છું અને મને એ ગદાની ડિઝાઈન ગમી હતી.

ખુશ્બૂ કારિયા નામના એક અન્ય ભક્તે કહ્યું હતું કે મેં રૂ. 16,000માં ચાંદીનો મોદક ખરીદ્યો હતો. હું આ મોદકના રૂપમાં ગણપતિબાપાને મારાં ઘેર લઈ જઈ રહી છું. મારા માટે આ સાચો પ્રસાદ છે.