મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સસરા અને ઉદ્ધવના પત્ની રશ્મી ઠાકરેના પિતા માધવ પાટણકરનું વૃદ્ધાવસ્થાને કારણે આજે નિધન થયું છે.
માધવ પાટણકર 78 વર્ષના હતા. એમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો. રશ્મી ઠાકરેનું પિયર મુંબઈની પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી નગરમાં છે. માધવ પાટણકર જાણીતા ઉદ્યોગપતિ હતા. એ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી. એ દરમિયાન આજે સવારે એમનું નિધન થયું હતું.
પાટણકરના નિધનની જાણ થયા બાદ ઉદ્ધવ તથા રશ્મી ઠાકરે, જે શિવસેના પાર્ટીના મુખપત્ર દૈનિક સામનાનાં સંપાદક છે, તેમને શ્રદ્ધાંજલિ અને શોકસંદેશા મળી રહ્યાં છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ટ્વીટ કરીને ઠાકરે દંપતી પ્રતિ દિલસોજી વ્યક્ત કરી હતી.
અજિત પવારે પત્ર લખીને રશ્મી ઠાકરેને પિતૃવિયોગનું દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. ઠાકરે તથા પાટણકર પરિવારો પર આવી પડેલા આ દુઃખમાં પવાર કુટુંબ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે એમ પણ અજિત પવારે વધુમાં લખ્યું છે.
મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.