મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર દિનકરભાઈ જોષીએ પોતે દાયકાઓ સુધી સાચવી રાખેલો એક અમૂલ્ય, વિરાસત સમાન સંગ્રહ ભારત સરકાર સંચાલિત નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (NAI) સંસ્થાને કાયમી જાળવણી માટે દિલ્હી જઈને ભેટ તરીકે સુપરત કર્યો છે. આ ખાસ્સા એવા મોટા સંગ્રહમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામાંકિત હસ્તીઓનાં મૂળ ખાનગી પત્રો અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
આ સંગ્રહમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, એમ.આર. મયેકર, દાદાભાઈ નવરોજી, પી.ડી. ટંડન, સરોજિની નાયડુ, ડો. સંપૂર્ણાનંદ, મુલ્કરાજ આનંદ, સ્વામી આનંદ તથા અન્ય નેતાઓ/હસ્તીઓએ લખેલા ૭૬ મૂળ પત્રવ્યવહારો/પત્રોનો સમાવેશ થાય છે.
દિનકરભાઈએ આટલા વર્ષો સુધી આ સંગ્રહની સાચવણી વૈજ્ઞાનિક રીતે કરી હતી, પરંતુ હવે તેની કાયમી સ્વરૂપે જાળવણી થઈ શકે એ માટે તેમણે આ સમગ્ર સંગ્રહ નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયાને સોંપી દીધો છે. આમ હવે આ ઐતિહાસિક વિરાસત ખજાનો સંશોધનકાર્યોમાં ઉપયોગી બની રહેશે.
દિનકરભાઈએ દિલ્હી જઈને સુપરત કરેલા આ અમૂલ્ય વિરાસત સંગ્રહને ગઈ 1 માર્ચે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહન, NIAના ડાયરેક્ટર જનરલ ચંદન સિન્હા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિલીઝ કરવામાં આવ્યા હતા.
આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા પત્રો અને દસ્તાવેજો હવે રાષ્ટ્રીય મહાનુભાવોના આ પ્રકારના જ અન્ય ખાનગી સંગ્રહનો હિસ્સો બની રહેશે, જે નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયાને કાયમી સ્વાધીન છે.