અંગ્રેજી મિડિયમમાં ભણતાં બાળકો વેકેશનમાં શીખો ગુજરાતી નિ:શુલ્ક…

દેવાંશુ દેસાઈ (મુંબઈ)

માતૃભાષાનો મહિમા અનેરો છે. અંગ્રેજી માધ્યમને કારણે હવે આવનારાં વરસોમાં દરેક ભાષાનાં બાળકો પોતાની માતૃભાષા ભૂલી રહ્યાં છે. કદાચ ઘરોમાં બોલાતી રહેશે, પણ વંચાતી ન રહે તો કાળક્રમે એ ભૂંસાઈ જાય. આને લઈને ગુજરાતીઓમાં ચિંતાનું વિશેષ પ્રમાણ છે. બંગાળી હોય કે મરાઠીભાષી, આ લોકો ઘરમાં સતત માતૃભાષાનો જ ઉપયોગ કરે, પણ આપણા ઘણા પામતા-પહોંચતા, દુનિયા ફરતા ગુજરાતીઓ ભેગા થાય ત્યારે એમનાં ઘરોમાં અંગ્રેજી ચલણ વધુ હોય છે. એને લઈને ગુજરાતી ભાષાપ્રેમીઓને ચિંતા થાય એ સ્વાભાવિક છે.

જો બાળકોને ગળથૂથીમાંથી બાળપણમાં હરતાં-ફરતાં-રમતાં સરળ રીતે માતૃભાષા શીખવવામાં આવે તો એ અંગ્રેજીની જેમ સરળતાથી ગુજરાતી ભાષા સાથે એનો નાતો સતત રહે. પેઢી દર પેઢી આ પ્રવૃત્તિ થતી રહે તો માતૃભાષા સદા અમર રહે. આજનું બાળક કાલે યુવાન થાય ત્યારે સરળતાથી ગુજરાતી લખી-વાંચી શકે. એ માટે મુંબઈ ઉપરાંત હવે ગુજરાત અને પરદેશમાં પણ અમુક સંસ્થા-શાળા પોતપોતાની રીતે સંનિષ્ઠ પ્રયાસ કરે છે.

મુંબઈના પરાવિસ્તાર કાંદિવલીમાં શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ એ માટે છેલ્લા અઢી દાયકાથી પ્રયત્નશીલ છે.

આ ટ્રસ્ટ દ્વારા મલાડ, કાંદિવલી, બોરીવલી તથા ઘાટકોપરમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવાના વર્ગો ચલાવવામાં આવે છે. આ વરસે પણ બે મેના રોજથી ૩૧ મે સુધી ગુજરાતી ભાષાના વર્ગો શરૂ થયા છે.

આ વર્ગો ટી.પી. ભાટિયા કૉલેજ, એસવીપીવી વિદ્યાલય (કાંદિવલી, પશ્ચિમ), કપોળ વિદ્યાનિધિ (મહાવીર નગર, કાંદિવલી), પઈ નગર જૈન પાઠશાળા (બોરીવલી), સી.યુ. શાહ હાઈ સ્કૂલ (કાંદિવલી, પૂર્વ), અગ્રવાલ રેસિડન્સી (શંકર લેન, કાંદિવલી), સાંઈબાબા મંદિર (સાંઈબાબા નગર, બોરીવલી), બાલાશ્રમ (કાંદિવલી, પશ્ર્ચિમ) અને વી.સી. ગુરુકુળ હાઈ સ્કૂલ (ઘાટકોપર, પૂર્વ) બે મેથી ૩૧ મે દરમિયાન દરરોજ સવારે ૧૦:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી લેવામાં આવશે.

એ વિશે વાત કરતાં શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના વસંત શાહ ‘ચિત્રલેખા’ને કહે છે કે આ વર્ગોમાં કોઈ પણ વિદ્યાર્થી જોડાઈ શકે છે.

વધુ વિગત માટે સંપર્ક: અનંત મહેતા-૯૩૨૦૦ ૧૬૧૦૪. વસંત શાહ-૯૮૬૯૪ ૮૩૬૯૪. નિરંજન શેઠ- ૯૦૦૪૬ ૩૩૦૦૦

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]