મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે શહેરના ખાર (વેસ્ટ) ઉપનગરમાં તેનાં રહેણાંક ફ્લેટ્સમાં ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હોવાનો તેની પર આરોપ મૂકતી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની નોટિસને પડકારતો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા તે આજે સંમત થઈ છે.
મુંબઈ હાઈકોર્ટે કંગનાને જણાવ્યું છે કે તેનાં નિવાસસ્થાનમાં કરાવેલા ગેરકાયદેસર ભાગને કાયદેસર કરાવવા માટે તેણે ચાર અઠવાડિયામાં બીએમસીમાં અરજી કરવી. કંગના વતી એનાં વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેની ક્લાયન્ટ બીએમસી સામે ગયા વર્ષના ડિસેમ્બરમાં કરેલા કેસને પાછો ખેંચી લેવા માગે છે. કંગના પર આરોપ છે કે એણે રહેણાંક મકાનમાં તેનાં ત્રણ ફ્લેટને ગેરકાયદેસર રીતે ભેગા કરી દીધા છે. આજે હાઈકોર્ટના જજ પૃથ્વીરાજ ચવાણે કંગનાને તેનો કેસ પાછો ખેંચી લેવાની પરવાનગી આપી હતી અને બીએમસીને આદેશ આપ્યો છે કે કંગના તેનાં આવાસમાંના ગેરકાયદેસર ભાગોને કાયદેસર કરાવવા માટેની અરજી કરે, પછી તેની પર સુનાવણી કરાય અને જે નિર્ણય લેવાય ત્યાં સુધી એની સામે કોઈ દ્વેષપૂર્ણ પગલું લેવું નહીં.