નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે ઝરૂખોમાં રસપ્રદ ગોષ્ઠી

વીસમી સદીના છેલ્લા ચાર દાયકામાં અઢળક વંચાતા નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે ઝરૂખોમાં રસપ્રદ ગોષ્ઠી યોજાઈ ગઈ.

કટારલેખક જય વસાવડાએ કહ્યું હતું કે ચાર દાયકા અગાઉ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના નવા પુસ્તકની ત્રણ ચાર નકલ લાયબ્રેરીમાં આવતી તો યે એ નવલકથા મેળવવી મુશ્કેલ રહેતી, એનું લાંબુ વેઈટીંગ લિસ્ટ રહેતું. ૧૯૭૦થી ૯૦ના દાયકામાં ‘ચિત્રલેખા ‘ના દિવાળી અંકમાં વિઠ્ઠલ પંડ્યાની ટૂંકી વાર્તા તો હોય જ! કાંદીવલીનું પરિવર્તન પુસ્તકાલય હોય ,હિતવર્ધક મંડળની લાયબ્રેરી હોય કે ગુજરાતના કોઈ પણ શહેરની લાયબ્રેરી હોય , નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના પુસ્તકો વાંચનારો એક વર્ગ બધે જ મળી આવે છે. ગયા શનિવારે બોરીવલીમાં સાહિત્યિક સાંજ ઝરૂખોમાં નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે એક ગોષ્ઠી યોજાઈ તો એમના ચાહકોથી હૉલ ભરાઈ ગયો.

સાબરકાંઠાના હિંમતનગર પાસેના નાના ગામ કાબોદરામાં જન્મેલા વિઠ્ઠલ પંડ્યા બાળપણમાં ખૂબ તોફાની હતા. ખેડૂતપુત્ર એવા વિઠ્ઠલભાઈની ,ગામ કાબોદરાથી મુંબઈના ફિલ્મ જગતની સંઘર્ષયાત્રા તથા લેખક બનવા સુધીની સફરનો ચિતાર ભાવકોને આ કાર્યક્રમમાં મળ્યો.ડૉ.સેજલ શાહે કહ્યું ‘ આપણે આજે વિઠ્ઠલભાઈ વિશે વાત કરીએ છીએ કારણ તેઓ હજી પણ વાચકોના દિલમાં જીવંત છે. કોઈ પણ લેખક માટે લોકપ્રિય થવું સરળ નથી ! ‘ વિઠ્ઠલભાઈની આત્મકથા ‘ ભીંત ફાડીને ઊગ્યો પીપળો ‘ માંથી એમના બાળપણના બે પ્રસંગો ડૉ.સેજલ શાહ અને વરિષ્ઠ કટારલેખક દીપક સોલિયાએ રજૂ કર્યા.

કવિ વાર્તાકાર સતીશ વ્યાસે પણ વિઠ્ઠલભાઈના જીવનના કેટલાક પ્રસંગો વર્ણવી ૯ વર્ષની ઉંમરે મુંબઈ જઈ જ્ઞાતિની ઓરડીમાં રહી ભણતરના સંઘર્ષની વાત કરી હતી. ડૉ. સેજલ ‌શાહ તથા દીપક સોલિયાએ ત્યાર બાદ ‘ અસલી નકલી ચહેરા ‘ સંસ્મરણકથાને આધારે વિઠ્ઠલભાઈના ફિલ્મ જગતના પ્રસંગોની રસપ્રદ રજૂઆત કરી. સજ્જ વાચક રાજન દેસાઈએ વિઠ્ઠલ પંડ્યાની ‘ નજરબંધી ‘ નવલકથાના પ્લોટની અને લેખન શૈલીની વિષદ છણાવટ કરી. વિવિધ મુદ્દાઓ ઉત્તમ રીતે ટાંકી એમણે સાબિત કરી બતાવ્યું કે શા માટે વિઠ્ઠલ પંડ્યા એમના સમયથી આગળનું જોતા લેખક હતા. વિઠ્ઠલભાઈના પરિવારનાં તૃપ્તિ રાજેશ પંડ્યાએ પણ પરિવાર માટે પપ્પાજી કેવા સહજ અને હૂંફભર્યા હતા એની હૃદયસ્પર્શી વાત કરી હતી.

વિઠ્ઠલ પંડ્યાના પુત્ર કવિ વાર્તાકાર સંજય પંડ્યાએ સંચાલનની સાથે હજીયે તું સાંભરે છે, સાત જનમના દરવાજા, આંખ ઝરે તો સાવન જેવી નવલકથાઓમાં પ્રણયની સમાંતર કેવા સામાજિક મુદ્દાઓ નવલકથાકારે સાંકળી લીધા છે એ વિશે રસ પડે એવી માહિતી આપી હતી.

૧૯૫૫ની સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાએ પોતાની લેખનયાત્રા આરંભી જે વર્ષ ૨૦૦૦ સુધી ચાલી. આટલાં વર્ષોમાં એમણે ૫૧ નવલકથા, ૧૦ વાર્તાસંગ્રહ, એક આત્મકથા, એક ફિલ્મ જગતનાં એમનાં સંસ્મરણો તથા અન્ય પુસ્તકો મળી ૬૮ પુસ્તકો આપ્યાં . એમનાં ત્રણ પુસ્તકોનો હિંદી ભાષામાં પણ અનુવાદ થયો છે .

૧૯૨૩ માં હિંમતનગર પાસે કાબોદરામાં જન્મેલા વિઠ્ઠલ પંડ્યાનું ૨૦૦૮ ની સાલમાં અવસાન થયું ત્યારે એમને ૮૬મું વર્ષ ચાલી રહ્યું હતું.

૩ ફેબ્રુઆરી શનિવાર સાંજે યોજાયેલા ‘ઝરૂખો’ના આ કાર્યક્રમમાં પત્રકાર જયેશ ચિતલિયા, કવિ દીનેશ પોપટ, કવિ સંચાલક રાજેન બ્રહ્મભટ્ટ, કટારલેખક વિકાસ નાયક, કવયિત્રી પ્રતિમા પંડ્યા, અભિનયક્ષેત્રની નવી પ્રતિભા પ્રીતા પંડ્યા, ‘અધ્યાત્મ ‘ ના તંત્રી જ્યોત્સના ત્રિવેદી,સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઈ તથા કમિટી સભ્ય પ્રકાશ ભટ્ટ, ‘મુંબઈ ગુજરાતી’ તથા ઝરૂખોમાં સક્રિય દેવાંગ શાહ, વિઠ્ઠલભાઈના પુત્ર રાજેશ પંડ્યા તથા અનેક ભાવકો હાજર હતા. કાર્યક્રમની પરિકલ્પના કવિ વાર્તાકાર સતીશ વ્યાસની હતી.