BSEનો ચોખ્ખો નફો 123 ટકા વધીને રૂ.106.3 કરોડ

મુંબઈઃ BSEએ જાહેર કરેલી 31 ડિસેમ્બર, 2023 અંતેના ત્રિમાસિક ગાળાની અનઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરી મુજબ ચોખ્ખો નફો ડિસેમ્બર, 2022 અંતે પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાના રૂ.47.6 કરોડથી 123 ટકા વધીને રૂ. 106.3 કરોડ થયો છે. કુલ આવક રૂ.245 કરોડથી 76 ટકા વધીને રૂ. 431.5 કરોડ થઈ છે. કામકાજની આવક રૂ. 204 કરોડથી 82 ટકા વધીને રૂ. 371.6 કરોડ થઈ છે.

આ અંગે BSEના MD અને CEO સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું છે કે BSEની ભાવિ વૃદ્ધિ માટેનો પાયો નાખવામાં 2023નું વરસ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અમારી યોજના મૂડીબજારમાં ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ ઈનોવેશન કરી સંકલિત મૂલ્ય શૃંખલામાં અમારી ઉપસ્થિતિ પ્રભાવક અને મજબૂત બની રહે એ જોવાની છે.

BSE લિ.નું કાર્યકારી માર્જિન 19 ટકાથી વધીને 25 ટકા અને વહેંચણીપાત્ર નફો રૂ. 51.6 કરોડથી 110 ટકા વધીને રૂ. 108.2 કરોડ થયો છે. BSEના પ્લેટફોર્મ પરથી ઈક્વિટી, બોન્ડ્સ અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સના ઈશ્યુઅર્સે સંબંધિત ત્રિમાસિક ગાળામાં રૂ.4.12 લાખ કરોડ એકત્ર કર્યા છે. કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.4243 કરોડથી વધીને રૂ.6643 કરોડ રહ્યું છે. BSEમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ પણ વધી રહ્યું છે અને ડિસેમ્બરમાં સરેરાશ દૈનિક નોશનલ ટર્નઓવર રૂ.71.14 લાખ કરોડનું રહ્યું છે.

સ્ટાર એમએફ પર ડિસેમ્બર અંતેના ત્રિમાસિક ગાળાના અંતે આવક 55 ટકા વધીને રૂ.32.84 કરોડની થઈ છે. આ પ્લેટફોર્મ પર વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રતિ માસ સરેરાશ 3.2 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા છે, જે સરેરાશ ગયા વર્ષે પ્રતિ માસ 2.2 કરોડ ટ્રાન્ઝેક્શન્સની હતી.