ઘાટકોપર ખાતે ભવ્ય પુસ્તકમેળાનું આયોજન, પુસ્તકપ્રેમીઓ માટે સોનેરી તક

કાંદિવલી અને વિલેપાર્લેના પુસ્તકમેળાને વાંચકોનો જોરદાર પ્રતિસાદ મળ્યા બાદ ‘મુંબઈ સમાચાર’ દ્વારા ઘાટકોપર (ઈસ્ટ) ખાતે વિરાટ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘાટકોપર (પૂર્વ) સ્થિત શ્રમણી વિદ્યાપીઠ, હિંગવાલા લેન, (એસવીડીડી સ્કૂલની સામે) ખાતે આ પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે જેનું ઉદઘાટન મહારાષ્ટ્રના વિધાનસભ્ય પરાગ શાહ ૯મી ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગે કરશે. આ જ પુસ્તકમેળામાં ૧૦મી ફેબ્રુઆરીએ લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક પ્રખ્યાત હાસ્ય કલાકાર સુભાષ ઠાકરના બે પુસ્તકોનું લોકાર્પણ કરશે

રવિવાર, ૧૧મી ફેબ્રુઆરીએ ભાજપના લોકસભા સભ્ય મનોજ કોટક અતિથિવિશેષ તરીકે આવશે. કાંદિવલી અને પાર્લાના અગાઉના પુસ્તકમેળામાં પ્રખ્યાત કલાકારો અનંગ દેસાઈ, જે. ડી. મજીઠીયા, લોકપ્રિય સાહિત્યકારો દિનકર જોશી, ઈલા આરબ મહેતા, પત્રકાર આશુ પટેલ, પ્રફુલ્લ શાહ, અનિલ રાવળ, યોગેશ પટેલ, ચિત્રા દેસાઈ અને કલાકારો ઉદય મઝુમદાર, શ્રદ્ધા શ્રીધરાણીએ મુલાકાત લીધી હતી અને પ્રાસંગિક વક્તવ્ય આપી ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે અને પ્રકાશકોને અભિનંદન આપ્યા હતા. ઘાટકોપરનો પુસ્તકમેળો ૧૧-૨-૨૪ સુધી રોજ સવારે ૧૧થી રાત્રે ૮-૩૦ સુધી ચાલુ રહેશે. વાંચકોને આ મેળામાં પુસ્તકો ઉપર ૨૫ ટકા વળતર પણ મળશે.