મુંબઈઃ શાળાઓનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહારાષ્ટ્ર રાજ્યભરની શાળાઓ માટે સરકારે કડક નિયમ લાગુ કર્યો છે. પોલીસ વિભાગે આદેશ આપ્યો છે કે તમામ સ્કૂલ બસોમાં જીપીઆરએસ (જનરલ પેકેટ રેડિયો સર્વિસ) સિસ્ટમ બેસાડવી સ્કૂલ બસ માલિકો માટે ફરજિયાત છે. જીપીઆરએસ વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્ક છે. મોબાઈલ ફોનનું લોકેશન શોધી કાઢવા માટે જીપીઆરએસ, જીપીએસ નેટવર્ક વાપરવામાં આવે છે. આ નેટવર્કની મદદથી ડેટા કે માહિતીને એક મોબાઈલ ફોનથી બીજા મોબાઈલ પર મોકલી અથવા મેળવી શકાય છે. જીપીઆરએસ 2જી અને 3જી સેલ્યુલર કમ્યુનિકેશન સિસ્ટમ પર મોબાઈલ સંચાર માટે ગ્લોબલ સિસ્ટમ માટે એક પેકેટ ઓરિએન્ટેડ મોબાઈલ ડેટા સર્વિસ છે. આ એક એવી સેવા છે જે ડેટા-માહિતીને રેડિયો વેવ્સ મારફત ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ આપેલા પત્રને પગલે સ્કૂલ બસોમાં જીપીઆરએસ બેસાડવાનું ફરજિયાત બનાવાયું છે. સાંતાક્રુઝ ઉપનગરની પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટી ગયા બાદ પાંચ કલાક સુધી ઘેર ન પહોંચતાં એમનનાં માતાપિતા-વાલીઓ ચિંતામાં પડી ગયા હતા. તે બસમાં જીપીઆરએસ સિસ્ટમ ન હોવાથી એ સ્કૂલ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને લઈને ક્યાં ગઈ હતી એનો પતો લાગી શક્યો નહોતો. માતાપિતાઓએ સ્કૂલના ડ્રાઈવરને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એનો તથા બસના કર્મચારીનો ફોન સ્વિચ-ઓફ્ફ છે એવી સૂચના સંભળાતી હતી. પરિણામે માતાપિતા-વાલીઓ સ્કૂલમાં દોડી ગયાં હતાં. આની ખબર પડતાં મનસે પાર્ટીનાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પોદાર સ્કૂલમાં દોડી ગયા હતા. બસ ડ્રાઈવર નવો હોવાથી અને રસ્તામાં ટ્રાફિક બહુ હોવાને કારણે વિદ્યાર્થીઓને એમનાં નિવાસે પહોંચાડવામાં મોડું થયું હતું. એ ઘટનાને પગલે મનસે પાર્ટીએ રાજ્ય સરકારને તમામ સ્કૂલ બસોમાં જીપીઆરએસ સિસ્ટમ બેસાડવાનું ફરજિયાત કરવાની વિનંતી કરી હતી. પંદર દિવસ પછી શાળાઓ ફરી શરૂ થવાની છે.