એનસીબીના બહુ ગાજેલા અધિકારી સમીર વાનખેડેની બદલી

મુંબઈઃ ગયા વર્ષે શહેરના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા કોર્ડેલિયા લક્ઝરી ક્રૂઝ જહાજમાં ડ્રગ્સ પકડવાના કેસમાં દરોડો, ધરપકડ અને તપાસની બાબતોમાં કેન્દ્રમાં રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી, મુંબઈ)ના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચેન્નાઈમાં ટેક્સપેયર્સ સર્વિસીસ વિભાગના ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરી દેવામાં આવી છે. ત્યાં તેઓ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરશે અને 10 જૂનથી હોદ્દો અખત્યાર કરે એવી ધારણા છે.

આ વિભાગ કરદાતાઓની સમસ્યાઓ અને પ્રશ્નોને લગતો છે. દેશભરમાં જુદા જુદા અનેક વિભાગોમાં વાનખેડે સહિત 204 IRS (ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસીસ) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોર્ડેલિયા ડ્રગ્સ કેસમાં નબળી તપાસ કરવા બદલ વાનખેડે સામે પગલું ભરવાનું એનસીબી પર દબાણ વધી રહ્યું હતું. કોર્ડેલિયા ડ્રગ્સ કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ગયા વર્ષે ધરપકડ કરાઈ હતી, પરંતુ ગઈ 27 મેએ એને એનસીબી દ્વારા જ ક્લીન ચિટ આપવામાં આવી હતી. એને કારણે વાનખેડેની તપાસ હાથ ધરવાની રીત પર સવાલો ઉભા થયા છે. સમીર વાનખેડે 2008ના બેચના IRS અધિકારી છે. એમને 2020ના ઓગસ્ટમાં એનસીબી, મુંબઈ ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. એમણે અગાઉ એરપોર્ટ કસ્ટમ્સ, સર્વિસ ટેક્સ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં કામ કર્યું હતું.