મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ગઈ કાલે એમિરેટ્સની એક ફ્લાઈટ દ્વારા ઈથિયોપીયાના એડિસ અબાબા શહેરથી આવી પહોંચેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂ. 8.40 કરોડની કિંમતનું 16 કિલોગ્રામ સોનું મળી આવ્યા બાદ એની ધરપકડ કરી હતી.
એડીસ અબાબાથી આવી રહેલા એક ભારતીય નાગરિક પ્રવાસી પાસે ગેરકાયદેસર સોનું હોવાની બાતમી મળ્યા બાદ કસ્ટમ્સ અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા. તે પ્રવાસી જેવો મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો કે તરત જ એની તથા એના સામાનની તલાશી લેવામાં આવી હતી. એ શખ્સે સોનાની લગડીઓ ખાસ બનાવેલા ચેસ્ટ બેલ્ટમાં સંતાડી હતી. એ ચેસ્ટ બેલ્ટ 9 ખિસ્સાવાળું હતું. તે બેલ્ટને એણે એની છાતી અને ખભાની આસપાસ વીંટાળ્યો હતો. એ શખ્સે કસ્ટમ્સ અધિકારીઓને કહ્યું કે એને બે સુદાનીઝ પ્રવાસીઓએ દુબઈમાં એને આ સોનું આપ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ બાદમાં મુંબઈ એરપોર્ટ પર બંને સુદાનીઝ પ્રવાસીઓને પણ આંતરીને પકડી લીધા હતા. ત્રણેય જણને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં જજે આ કેસમાં વધુ તપાસ હાથ ધરવા માટે ત્રણેય આરોપીને 14 દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી.