મુંબઈમાં 1-નવેમ્બરથી તમામ કાર-પ્રવાસીઓ માટે સીટ-બેલ્ટ ફરજિયાત

મુંબઈઃ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીને નડેલા જીવલેણ અકસ્માતના એક મહિના બાદ મુંબઈ પોલીસે શહેરમાં મોટરકાર ચલાવનાર ડ્રાઈવરો તથા તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનો અમલ આવતી 1 નવેમ્બરથી કરવામાં આવશે.

એક અખબારી યાદીમાં મુંબઈ પોલીસે જણાવ્યુંછે કે, મોટર વેહિકલ્સ (સુધારિત) કાયદા, 2019ની કલમ 194(b) (1) અંતર્ગત જે કોઈ વ્યક્તિ સેફ્ટી બેલ્ટ પહેર્યા વિના કોઈ મોટર વાહન ચલાવશે કે એની સાથે બેઠેલાં પ્રવાસીઓ સીટ બેલ્ટ નહીં પહેરે તો તેઓ શિક્ષાને પાત્ર ગણાશે. મુંબઈ શહેરના માર્ગો પર પ્રવાસ કરનાર તમામ મોટર વાહનોના ડ્રાઈવરો અને સહ-પ્રવાસીઓને આ સાથે જાણ કરવામાં આવે છે કે આવતી 1 નવેમ્બરથી પ્રવાસ કરતી વખતે ડ્રાઈવરો અને તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે.

કારમાં પાછળની સીટ પર બેસનારાઓ માટે પણ સીટ બેલ્ટ પહેરવાનું મહત્ત્વનું છે, કારણ કે અકસ્માત થાય તો આગળની સીટના પાછળના ભાગ સાથે એમનું માથું ભટકાય તો એમને માથા-મગજમાં ગંભીર ઈજા પહોંચી શકે છે. ક્યારેક એવી ઈજા જીવલેણ પણ નિવડી શકે છે.