મુંબઈઃ ભારતીય નૌકાદળ દ્વારા ઉજવવામાં આવનાર ‘નેવી વીક-2023’ની પૂર્વસંધ્યાએ આજે, અત્રે લાંગરેલા યુદ્ધજહાજ ‘આઈએનએસ ચેન્નાઈ’ ખાતે આયોજિત ‘નેવી ડે પત્રકાર પરિષદ’માં પશ્ચિમી નૌકા કમાન્ડના વડા વાઈસ-એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું હતું કે દેશની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવા માટે દરિયાઈ માર્ગેથી કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે નૌકાદળ સુસજ્જ છે.
વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું કે, ‘ભારતીય નૌકાદળને એ વાતનું ગર્વ છે કે આપણા દેશ પાસે એવા 21 યુદ્ધજહાજો અને પાંચ સબમરીન છે જે છેલ્લા નવ વર્ષમાં સ્વદેશી ટેક્નોલોજી વડે દેશના જ શિપયાર્ડમાં બનાવવામાં આવ્યા છે.’
‘તદુપરાંત, નૌકાદળે રૂ. 1.15 કરોડના ખર્ચવાળા 12 શિપબિલ્ડિંગ કોન્ટ્રાક્ટ કર્યા છે, જે અંતર્ગત ભારતીય જહાજવાડાઓમાં 65 જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,’ એવી જાણકારી પણ વાઈસ-એડમિરલે આપી.
વાઈસ-એડમિરલ ત્રિપાઠીએ વધુમાં કહ્યું કે, ‘ભારતની સમુદ્રી સુરક્ષા ઉપર આવે એવા કોઈ પણ જોખમનો સામનો કરવા માટે પશ્ચિમી નૌકા કમાન્ડે લક્ષ્ય અપનાવ્યું છે – ‘મિશન તૈનાત અને યુદ્ધ માટે તૈયાર’.
‘ભારતીય તથા વૈશ્વિક અર્થતંત્ર માટે દરિયાઈ ક્ષેત્રની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળ મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યું છે.’
ભારતની સુરક્ષા કાજે સહકાર અને વિદેશી નીતિ ઉદ્દેશ્યોને બળ પૂરું પાડવા માટે વિદેશી દેશોના નૌકાદળો સાથે રાજદ્વારી સંપર્ક જાળવી રાખવા પર એડમિરલ ત્રિપાઠીએ ભાર મૂક્યો હતો અને જાણકારી આપી કે દેશે આ સંદર્ભમાં વીતી ગયેલા વર્ષમાં અનેક દેશોના નૌકાદળો સાથે ભાગીદારી કરીને અનેક સંયુક્ત લશ્કરી કવાયતોનું આયોજન પણ કર્યું છે.
(તસવીરકારઃ દીપક ધુરી)