શ્રીમંત લોકોના જુગારના અડ્ડાનો પર્દાફાશ; 12 મહિલા સહિત 45ની ધરપકડ

મુંબઈઃ અહીંના ખાર (વેસ્ટ) ઉપનગરમાં આંબેડકર રોડ પર આવેલા ઓમ પેલેસ નામની સમૃદ્ધ લોકોની હાઉસિંગ સોસાયટીમાં ચલાવવામાં આવતા એક હાઈ-પ્રોફાઈલ જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચ પોલીસના અમલદારોએ દરોડો પાડીને પર્દાફાશ કર્યો છે. પોલીસ અમલદારોને બાતમી મળ્યા બાદ ગયા શનિવારે મધરાતે 1 વાગ્યે એમણે ત્યાં દરોડો પાડ્યો હતો.

જુગારના અડ્ડા પર કુલ 45 જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાં 12 મહિલાઓનો સમાવેશ થાય છે. તદુપરાંત, અડ્ડો ચલાવનાર ચાર ભાગીદાર, ત્રણ સહાયક (જોકી)ની પણ ધરપકડ કરાઈ છે. જોકીઓ જુગાર રમવા માટે ગ્રાહકો લાવી આપવાનું કામ કરતા હતા. પોલીસોએ આ ઉપરાંત જુગાર રમતા બીજા 38 જણને પણ કસ્ટડીમાં પૂરી દીધા છે. ફ્લેટ માલિકનું નામ સમીર આનંદ છે. એ ફરાર થયો છે. પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને રૂ. 34 લાખની રોકડ રકમ અને રૂ. 1 કરોડની કિંમતના ગેમ્બલિંગ સિક્કાઓ કબજે કર્યા હતા.