મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈમાં બે મેટ્રો લાઈન 2A અને 7 (અનુક્રમે યેલો લાઈન અને રેડ લાઈન) સેવાનું ઉદઘાટન કર્યું હતું. આ બંને સેવા આજે સાંજે ચાર વાગ્યાથી આમજનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આવતીકાલથી બંને લાઈન પરની ટ્રેનો નિયમિત રીતે સવારે 5.25 વાગ્યાથી જ શરૂ થઈ જશે. બંને માર્ગ પર પહેલી ટ્રેન છૂટવાનો સમય અને આખરી ટ્રેન છૂટવાનો સમય અલગ અલગ છે.
2A (દહિસર પૂર્વથી અંધેરી પશ્ચિમ) અને 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) બંને મેટ્રો લાઈનો પર સવાર-સાંજ ધસારાના સમયે ટ્રેનો આઠ-આઠ મિનિટના અંતરે દોડશે જ્યારે તે સિવાયના સમયમાં ફ્રીક્વન્સી 10-10 મિનિટની રહેશે. એક અંદાજ મુજબ આ સમગ્ર રૂટ પર દરરોજ 3-4 લાખ લોકો સફર કરશે. જેને કારણે લિન્ક રોડ, એસ.વી. રોડ અને સાથોસાથ મુંબઈની લોકલ ટ્રેનો પર લોકો તેમજ વાહનોની અવરજવરનો બોજો ઘટી જશે. MMRDA કંપનીના જણાવ્યાનુસાર, પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની અવરજવર 25 ટકા ઘટશે અને ટ્રેન લોડ 15 ટકા ઘટી જશે. જ્યારે લોકોનો પ્રવાસનો સમય 75 ટકા ઘટી જશે.