હેમંત નગરાળે નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે કરેલા અમુક મહત્ત્વના ફેરફારોમાં, મુંબઈના પોલીસ કમિશનર પદેથી પરમબીર સિંહની બદલી કરી દીધી છે અને એમની જગ્યાએ હેમંત નગરાળેને મહાનગરના નવા પોલીસ કમિશનર બનાવ્યા છે. પરમબીર સિંહને હોમ ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નગરાળેએ 1998ના માર્ચથી 2002ના સપ્ટેમ્બર સુધી સીબીઆઈમાં એસપી અને ડીઆઈજી તરીકે સેવા બજાવી હતી. એમણે કેતન પારેખ સિક્યૂરિટીઝ કૌભાંડ, હર્ષદ મહેતા કૌભાંડ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રાઈમ કેસમાં તપાસકાર્ય સંભાળ્યું હતું. તે ઉપરાંત 26/11 મુંબઈ ટેરર હુમલાઓ વખતે પણ નગરાળેએ બચાવ કામગીરીમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. તેમણે ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલોમાં શિફ્ટ કરવાની કામગીરી બજાવી હતી. એ વખતે તેઓ નવી મુંબઈના પોલીસ કમિશનર હતા. બાદમાં મુંબઈ પોલીસમાં જોઈન્ટ પોલીસ કમિશનર (એડમિનિસ્ટ્રેશન) પદે નિયુક્ત કરાયા હતા.

રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વિટરના માધ્યમથી આ જાહેરાત કરી છે. એમણે લખ્યું છે કે હેમંત નગરાળેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પરમબીરસિંહને હોમ ગાર્ડ્સ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો અતિરિક્ત ચાર્જ રજનીશ શેઠને આપવામાં આવ્યો છે. નગરાળેને ગઈ 7 જાન્યુઆરીએ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો અતિરિક્ત ચાર્જ આપવામાં આવ્યો હતો.