મુંબઈ પોલીસની બગડેલી છાપ સુધારીશઃ હેમંત નગરાળે

મુંબઈઃ ગઈ કાલે મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરાયા બાદ તરત જ હેમંત નગરાળેએ એમનો હોદ્દો સંભાળી લીધો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી ગયા ફેબ્રુઆરીમાં વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્ર સાથે મળી આવેલી એક કારના કેસમાં તપાસ હાથ ધરવા બદલ મુંબઈ પોલીસની ટીકા થઈ છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની હોમગાર્ડ્સ વિભાગમાં બદલી કરી દીધી છે અને એમની જગ્યાએ નગરાળેને નિયુક્ત કર્યા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં નગરાળેએ કહ્યું હતું કે શહેરની પોલીસની ‘બગડેલી’ છાપને સુધારવાની મોટી કામગીરી તેમણે પાર પાડવાની છે. પોલીસ દળની ‘ગુમાયેલી વિશ્વસનીયતા’ને પ્રસ્થાપિત કરવા હું કામ કરીશ.