દેવેન્દ્ર ફડણવીસના હેલિકોપ્ટર પ્રવાસનો વાર્ષિક ખર્ચ સરેરાશ રૂ. 6 કરોડ

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા અવારનવાર હેલિકોપ્ટર દ્વારા કરાતા પ્રવાસ માટેનું વાર્ષિક સરેરાશ બિલ થાય છે આશરે રૂ. 6 કરોડ. આ જાણકારી એક RTI સવાલના અપાયેલા જવાબ પરથી જાણવા મળી છે.

RTI માટેના કાર્યકર અનિલ ગલગલીનું કહેવું છે કે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) તરફથી જણાવાયું છે કે 2017ના મે મહિનામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પાઈલટ્સ તથા હેલિકોપ્ટરની અનુપ્લબ્ધિને કારણે એર ટ્રાવેલનો ખર્ચ વધી ગયો છે.

RTI અરજી પર પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 2014-2015માં ફડણવીસના હવાઈ પ્રવાસનો ખર્ચ રૂ. 5.37 કરોડ હતો. 2016માં એ ખર્ચ રૂ. 5.42 કરોડ હતો અને 2017માં એ રૂ. 7.23 કરોડ હતો.

રાજ્ય સરકારનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા અને સમારકામ કરી ન શકાય એટલી હદે એ નુકસાન પામ્યા બાદ સરકારે 2017ના મે મહિનાથી ફડણવીસ માટે હેલિકોપ્ટર સેવા ભાડેથી લેવાની ફરજ પડતી રહી છે. એ માટે 2017-2018ના વર્ષ દરમિયાન રૂ. 6.19નો ખર્ચ થયો હતો.

રાજ્ય સરકારનું પોતાની માલિકીનું વિમાન પણ છે, પરંતુ એનો પાઈલટ રાજીનામું આપીને જતો રહ્યો છે તેથી એ વિમાન લગભગ એકાદ વર્ષથી વપરાશ વિનાનું પડ્યું છે.

આને પરિણામે રાજ્ય સરકારને હેલિકોપ્ટર/વિમાન ભાડેથી લેવા કે પાઈલટોને કોન્ટ્રાક્ટ ધોરણે લેવા પાછળ રૂ. 13.23 કરોડનો ખર્ચ થયો હતો.