મહારાષ્ટ્રમાં વરસાદનો હાહાકારઃ 70નાં મરણ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેટલાક ઠેકાણે વરસાદ વધારે પડતાં મરણની દુઃખદ ઘટનાઓ બની છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઘટનાઓમાં 70 જેટલા લોકોનાં મરણ થયા છે. મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં અતિવૃષ્ટિ થઈ છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગડચિરોલી જિલ્લામાં વૈનગંગા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે (તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. એ માટે નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ ચેતવણી બહાર પાડી છે. સિંધુદુર્ગ, પુણે અને નાશિક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે 9 જણના મૃત્યુ થયા છે. રાજ્યમાં અનેક નદીઓમાં પૂર આવ્યું છે. નદી અને સમુદ્રકાંઠે રહેતા હજારો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે.