મુંબઈ: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હાર્દિકને ધંધામાં કરોડોનો ચૂનો ચોપડનાર બીજુ કોઈ નહીં પણ તેનો જ ભાઈ વૈભવ પંડ્યા છે. હાર્દિકની ફરિયાદના આધાર પર મુંબઈની ઈકોનોમિક ઓફેંસ વિંગ (EWO)એ આરોપી વૈભવની ધરપકડ કરી છે. વૈભવને પાંચ દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મામલો વર્ષ 2021નો છે, જ્યારે પંડ્યા બ્રધર્સે વૈભવ પંડ્યા સાથે પોલિમર બિઝનેસની એક કંપની સ્થાપી હતી. આ કંપનીમાં હાર્દિક અને ક્રુણાલની 40-40 ટકા ભાગીદારી અને વૈભવ પંડ્યાની 20 ટકા ભાગીદારી હતી. ભાગીદારીની શરતોપ્રમાણે કપંનીમાં થતો નફો ત્રણેયને સરખા ભાગે વહેંચવાનો હતો. પરંતુ વૈભવ પંડ્યાએ નફાની રકમ પંડ્યા બ્રધર્સને આપવાને બદલે તે રકમ પોતાની અલગ કંપની ઉભી કરવામાં વાપરી લીધી હતી. જેના કારણે હાર્દિક અને ક્રુણાલને 4.3કરોડનું નુકસાન થયું હતું. છેતરપિંડી બદલ હાર્દિક પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.
કોણ છે વૈભવ પંડ્યા?
વૈભવ પંડ્યા હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાનો સાવકો ભાઈ છે. તે એક એન્ટપ્રેન્યોર છે. હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા અને વૈભવ પંડ્યા ત્રણેય હિમાંશુ પંડ્યાના પુત્રો છે.
આઈપીએલના માહોલ વચ્ચે હાર્દિક પંડ્યાના સાથે દગો કરનાર તેના સાવકા ભાઈ વૈભવને મુંબઈ પોલીસે બુધવારે પકડી પાડ્યો હતો. હાલમાં તેને પાંચ દિવસ કસ્ટડી માટે મોકલવામાં આવ્યો છે.