PM મોદીની પ્રશંસા કરીને નિરુપમની સંજય દ્રષ્ટિ કયા પક્ષ પર?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરુપમની વિરુદ્ધ પગલાં લેતાં છ વર્ષ માટે બહારનો રસ્તો બતાવ્યો હતો. તેમની સામે આ પગલાં પાર્ટીવિરોધી કામગીરીને કારણે લેવામાં આવ્યો હતો. કોંગ્રેસથી કાઢી મૂકવામાં આવ્યાના એક દિવસ પછી તેમણે દેશની સૌથી જૂની પાર્ટી પર નિશાન સાધતાં દાવો કર્યો હતો કે પાર્ટીના નેતૃત્વમાં જબરદસ્ત અહંકાર છે. તેમણે રાજીનામું આપ્યા પછી અટકળોનું બજાર ગરમ છે કે સંજય એકનાથ શિંદેની શિવસેના કે ભાજપમાં જોડાશે?

સંજય નિરુપમે એક સંવાદદાતા સંમેલનનો પ્રારંભ જયશ્રી રામથી કર્યો હતો. તેમણે એક-બે લાઇન બહુ મહત્ત્વની કરી હતી. તેમણે કહ્યું હતું કે હમારા દેશમાં સોનાની કિંમતો અને વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે અને મુંબઈ-ઉત્તર પશ્ચિમની લોકસભા સીટથી ચૂંટણી લડશે. તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ સ્વતંત્ર રીતે નહીં, પણ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડશે.

હાલ મુહૂર્ત યોગ્ય નથી, એટલે તેઓ નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેઓ ભવિષ્યની યોજનાઓની ઘોષણા કરશે. તેમની નજર મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભાની સીટ પર છે. સીટ શેરિંગની ફોર્મ્યુલામાં મુંબઈની નોર્થ વેસ્ટ લોકસભા સીટ CM એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાની પાસે છે.

તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ હવે ઇતિહાસ બની ચૂકી છે. પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી અને મહાવિકાસ આઘાડી ત્રણ બીમારી પાર્ટીઓનો વિલય છે. રસપ્રદ વાત એ છે કે 12 માર્ચે સંજય નિરુપમે CM એકનાથ શિંદે અને અશોક ચવ્હાણ સાથે લાંબી મુલાકાત કરી હતી.