કોરોનાની સાથે અન્ય દર્દીઓની પણ યોગ્ય સારવાર કરોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ કેટલીક જનહિતની અરજીઓ પર જવાબ નોંધાવે.

કોર્ટને જનહિતની અરજીઓમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે બિન-કોરોના વાઈરસના દર્દીઓને રાજ્યની હોસ્પિટલોમાં એડમિટ થવામાં તકલીફ પડી રહી છે.

ન્યાયમૂર્તિ કે.આર. શ્રીરામે કહ્યું છે કે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા આ પીટિશનોની ગંભીર નોંધ લે અને કોઈ અસરકારક ઉકેલ સાથે એમના સોગંદનામા નોંધાવે.

લોયર મેહરવાન ફાર્શેદ તથા અન્ય બે જણ – દયાનંદ સ્ટાલીન અને મુક્તાર ખાને અલગ અલગ રીતે જનહિતની અરજીઓ નોંધાવી છે.

ન્યાયમૂર્તિ શ્રીરામે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાર્શેદ વતી એડવોકેટ ગૌરવ શ્રીવાસ્તવ અને મુંબઈ મહાનગરપાલિકા વતી એડવોકેટ અનિલ સખારેની દલીલો સાંભળી હતી.

વિડિયો કોન્ફરન્સિંગ સુનાવણી માટે ફાળવવામાં આવેલી રૂમ નંબર-10માં આ બે લોયર અને સ્ટાલીનના વકીલ ગાયત્રી સિંહ હાજર રહ્યા હતા.

વિડિયો કોન્ફરન્સિંગ માટેની સિસ્ટમમાં અવરોધ ઊભો થવાથી અમુક ખાનગી મેડિકલ એસોસિએશન માટેના લોયર્સ સુનાવણીમાં સામેલ થઈ શક્યા નહોતા.

કોર્ટે સરકાર અને મહાપાલિકાને કહ્યું હતું કે તમારે એવી વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી કોરોના ઉપરાંત અન્ય રોગોના દર્દીઓની પણ યોગ્ય રીતે સારવાર-ઉપચાર થઈ શકે. કોરોનાનાં દર્દીઓની સંભાળમાં વ્યસ્ત સરકારી તંત્રોએ માત્ર કોરોનાનાં દર્દીઓ પૂરતા જ સીમિત રહેવું ન જોઈએ.

કોર્ટે કહ્યું કે બિન-કોરોના દર્દીઓની સારવાર માટે અસરકારક તબીબી ચકાસણી થવી જોઈએ. કોરોનાની મહામારી સામેના સંઘર્ષ દરમિયાન અન્ય રોગીઓને સારવારનો ઈનકાર કરી શકાય નહીં.

કોર્ટે એવી ત્રણ પીટિશન સાંભળી હતી જેમાં બિન-કોરોના દર્દીઓની એવી પીડાનો ઉલ્લેખ કરાયો હતો જેમને ક્લિનિક અને હોસ્પિટલોમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.