32 કરોડની છેતરપીંડી? ‘કેદારનાથ’ ફિલ્મનાં નિર્માત્રી પ્રેરણા અરોરાની મુંબઈમાં ધરપકડ

મુંબઈ – ગયા જ અઠવાડિયે રિલીઝ થયેલી ‘કેદારનાથ’ ફિલ્મનાં નિર્માત્રી પ્રેરણા અરોરાની મુંબઈ પોલીસના આર્થિક ગુનાઓની શાખાના અધિકારીઓએ છેતરપીંડીની ફરિયાદો પરથી ધરપકડ કરી છે.

પ્રેરણા અરોરાએ સુશાંતસિંહ રાજપૂર અને સારા અલી ખાન અભિનીત ‘કેદારનાથ’ ઉપરાંત ‘રુસ્તમ’, ‘ટોઈલેટ: એક પ્રેમકથા’, ‘પેડમેન’ અને ‘પરી’ ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે.

અહેવાલો અનુસાર, પ્રેરણા અરોરાની ક્રીઆર્જ એન્ટરટેનમેન્ટ કંપનીએ ‘કેદારનાથ’ તથા અન્ય ફિલ્મોનું નિર્માણ માટે પદમા ફિલ્મ્સ કંપનીના ફિલ્મ ફાઈનાન્સર અનિલ ગુપ્તા પાસેથી આર્થિક સહાય લીધી હતી. ફિલ્મો રિલીઝ થયા બાદ વ્યાજસહિત તે રકમ પદમા ફિલ્મ્સને પાછી ચૂકવી ન હોવાનો પ્રેરણા પર આરોપ છે.

પરિણામે પદમા ફિલ્મ્સે અરોરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય ફિલ્મ નિર્માતા વાશુ ભગનાનીએ પણ પોતાની સાથે છેતરપીંડી કરી હોવાનો પ્રેરણા અરોરા સામે આરોપ મૂક્યો છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પ્રેરણાને ગઈ કાલે શહેરની એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર કર્યાં હતાં. કોર્ટે 10 ડિસેમ્બર સુધી પ્રેરણાને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

અરોરાએ પૂજા ફિલ્મ્સ ઉપરાંત અન્ય કેટલીક કંપનીઓ પાસેથી પણ કરાર કરીને લોન લીધી હોવાનું કહેવાય છે.

હવે અરોરા સામે છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસના આર્થિક ગુનાઓના વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે.

પ્રેરણા અરોરા પાસે અનેક પાસપોર્ટ અને પેનકાર્ડ્સ છે.

ફરિયાદી નિર્માતા વાશુ ભગનાની

અરોરાની સાથે એમની કંપનીના સહ-સ્થાપક અર્જૂન એન. કપૂરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ભગનાનીનો આરોપ છે કે પ્રેરણા અરોરાની કંપની ક્રીઆર્જ કંપનીએ જેનું સહ-નિર્માણ કર્યું હતું તે મ્યુઝિકલ કોમેડી ફિલ્મ ‘ફન્ને ખાન’માં પોતે ડિસ્ટ્રીબ્યુટર હતા, પણ અરોરાએ સમજૂતી થઈ હોવા છતાં પોતાને ક્રેડિટ આપી નહોતી. એમ કરીને તેમણે પોતાની સાથે રૂ. 16 કરોડની છેતરપીંડી કરી હોવાનો આરોપ મૂક્યો છે.

ભગનાનીએ પ્રેરણા ઉપરાંત એમનાં માતા પ્રતિમા અરોરા અને ભાગીદાર અર્જુન એન. કપૂર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના આદેશને પગલે પોલીસે એફઆઈઆર નોંધી હતી.