રેશનિંગ દુકાનદારોની મદદે આવ્યા PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી; મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી છે

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ અનાજના જાહેર વિતરણની પદ્ધતિ (રેશનિંગ પદ્ધતિ)ને લગતી ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ અંગે નવેસરથી લક્ષ આપે. પ્રહલાદભાઈએ કહ્યું છે કે આ યોજના રેશનિંગ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કરનારી છે.

સાથોસાથ, પ્રહલાદ મોદીએ આ મુદ્દે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના નેતાઓની ઝાટકણી પણ કાઢી છે. એમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારના નોટબંધી, જીએસટી અમલીકરણના નિર્ણયોથી કદાચ અમુક લોકોને તકલીફ થઈ હશે, પરંતુ જે લોકો કાયદા અનુસાર ધંધો કરવા માગે છે એમને કોઈ નુકસાન થયું નથી.

પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપપ્રમુખ છે.

પ્રહલાદભાઈએ મંગળવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં ઔરંગાબાદ જિલ્લા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ એસોસિએશન દ્વારા આયોજિત એક મોરચામાં ભાગ લીધો હતો અને બાદમાં દુકાનદારોની સભાને સંબોધિત કરી હતી.

પ્રહલાદભાઈએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવાની છે. આ યોજનાનો અમલ કરવાનું કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડ્યું છે, પણ આ યોજના એકદમ યોગ્ય નથી. મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ બાપટે કોલ્હાપુરમાં ખાતરી આપી હતી કે આ યોજનાથી રેશનિંગ દુકાનદારો માટે કોઈ સમસ્યા ઊભી નહીં કરે, પણ તેનાથી ઊલટું, આ યોજનાએ દુકાનદારો માટે મુસીબત ઊભી કરવાનું શરૂ કરી દીધું છે.