‘બેવડું ધોરણ’ અપનાવવા બદલ શિવસેનાની ઝાટકણી કાઢતા ફડણવીસ

મુંબઈ – ‘બેવડું વલણ’ અપનાવવા બદલ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમની સરકારના ભાગીદાર પક્ષ શિવસેનાને ચેતવણી આપી છે અને કહ્યું છે કે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે નક્કી કરે કે એ ભાજપ સાથે જોડાણ ચાલુ રાખવા માગે છે કે નહીં.

ફડણવીસે એક સમારંભમાં કહ્યું હતું કે, શિવસેના અમારા તમામ નિર્ણયોનો વિરોધ કરે છે. તેઓ એમના સૂચન આપી શકે છે, પરંતુ શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષ, એમ બંને તરીકેની ભૂમિકા એ એકસાથે ભજવી શકે નહીં.
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ભાજપ પર એક વધુ ટીકાસ્ત્ર છોડતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું મોજું હવે ઓસરી રહ્યું છે.

ફડણવીસે એ કાર્યક્રમમાં કહ્યું હતું કે, એક પાર્ટી હોવાને નાતે ઉદ્ધવજીએ નક્કી કરવાનું છે. એ લોકો જે પ્રકારનું ચિત્ર રજૂ કરી રહ્યા છે એને લોકો પસંદ કરતા નથી. બાળાસાહેબ (શિવસેનાના પ્રમુખ અને ઉદ્ધવના પિતા બાલ ઠાકરે) ક્યારેય દરેક નિર્ણયને નકારાત્મક રીતે લેતા નહોતા. ઉદ્ધવજી પણ એવું કરતા નથી, પરંતુ એમના કેટલાક નેતાઓ એવું માને છે કે તેઓ પક્ષના વડા કરતાં પણ મોટા છે અને નિવેદનો કરી રહ્યા છે.