મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની જાન પર ખતરો છેઃ પ્રકાશ આંબેડકર

મુંબઈ – ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આજે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જાન પર અમુક ચોક્કસ હિન્દુત્વવાદી તત્વો તરફથી ખતરો છે.

પોતાના દાવાના ટેકામાં આંબેડકરે રાવસાહેબ પાટીલ નામના એક જણની ફેસબુક પોસ્ટનો નિર્દેશ કર્યો છે. રાવસાહેબ પાટીલ પશ્ચિમ મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી અને અત્યંત જમણેરી ઝોકવાળા સંગઠન શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાનના પ્રમુખ સંભાજી વી. ભિડેના વિશ્વાસુ હોવાનો આંબેડકરે દાવો કર્યો છે.

રાવસાહેબ પાટીલે ગઈ 1 જાન્યુઆરીએ રાતે 10.12 વાગ્યાના સમયમાં પોસ્ટ મૂકી હતી. એમાં ફડણવીસ, એમના પ્રધાનમંડળના સાથી ગિરીશ બાપટ અને ભૂતપૂર્વ પત્રકાર સુધીન્દ્ર કુલકર્ણીને ‘કીડા’ તરીકે ઓળખાવીને એવું જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય જણના કાપીને ટૂકડા કરી નાખવા જોઈએ.

પાટીલની પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તમે જો કોરેગાંવ-ભીમાની ઘટના માટે તમને જો ગુસ્સો ચડ્યો હોય તો તમે ગિરીશ બાપટ, દેવેન્દ્ર ફડણવીસ અને સુધીન્દ્ર કુલકર્ણીના ટૂકડા કરી શકો છો, મને એની સામે કોઈ વાંધો નથી. એ લોકો દેશ અને રાજ્યને ત્રાસ આપતા કીડાઓ છે.

પ્રકાશ આંબેડકરે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યોગાનુયોગ, આ પોસ્ટ એ જ દિવસે મૂકવામાં આવી હતી જે દિવસે પુણે જિલ્લાના કોરેગાંવ-ભીમા ગામમાં જાતિવાદી રમખાણો ફાટી નીકળ્યા હતા અને તેમાં 28 વર્ષના એક યુવકનો જાન ગયો હતો.

આંબેડકરે ગઈ ત્રીજી જાન્યુઆરીએ મહારાષ્ટ્રભરમાં સફળ બંધ પાળી બતાવ્યો હતો.