મુંબઈ – જ્યાં ગયા વર્ષની 29 ડિસેમ્બરે લાગેલી ભયાનક આગને કારણે 14 જણનાં મરણ નિપજ્યા હતા તે 1-Above હોટેલના માલિકો તથા કેસના આરોપીઓને સંતાડવા બદલ પોલીસે જુહૂ વિસ્તારની એક હોટેલના માલિકની ધરપકડ કરી છે.
1-Above રેસ્ટોરન્ટ-પબના ત્રણ માલિક-આરોપીઓને આશરો આપવા બદલ પોલીસે વિશાલ કારિયા નામના હોટેલમાલિકની ધરપકડ કરી છે.
1-Aboveના ત્રણ માલિકો – ક્રિપેશ સંઘવી, જિગર સંઘવી અને અભિજીત માનકર 29 ડિસેમ્બરથી ફરાર છે.
42 વર્ષીય વિશાલ કારિયા બિલ્ડર છે અને મુંબઈમાં એમની માલિકીની અનેક રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ છે. એ બુકી પણ છે અને ઘણા નેતાઓ સાથે એમને ઘરોબો છે. એ ઘણી વાર ક્રિકેટરો અને બોલીવૂડ હસ્તીઓની સાથે ઓનલાઈન દેખાયા છે.
પોલીસે વિશાલ કારિયાના જુહૂ વિસ્તાર સ્થિત નિવાસસ્થાનેથી આરોપીઓની લક્ઝરીયસ ઔડી કાર કબજે કરી છે અને કારિયાની પૂછપરછ શરૂ કરી હતી.
ઔડી કાર અભિજીત માનકરની છે. આગની દુર્ઘટના બાદ એ કારની ચાવી ક્રિપેશ સંઘવીએ કારિયાને આપી હતી. કારિયાએ એ કાર ચલાવી હતી. પોલીસનું કહેવું છે કે કારિયાએ તરત જ પોલીસને સંઘવી ભાઈઓ અને માનકર વિશે જાણ કરવી જોઈતી હતી.
પૂછપરછ દરમિયાન કારિયાએ કબૂલ કર્યું હતું કે એણે ત્રણેય આરોપીઓને પોતાના ઘરમાં સંતાડ્યા હતા.
કારિયા સામે પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ 216 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આજે કારિયાને ભોઈવાડા કોર્ટમાં હાજર કરશે.
પોલીસે 1-Aboveના ફરાર માલિકો પર સદોષ માનવ વધનો આરોપ મૂક્યો છે. એમની ધરપકડ કરવામાં મદદરૂપ થાય એવી માહિતી આપનારને રૂ. 1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ગઈ 29 ડિસેમ્બરે લોઅર પરેલ ઉપનગરના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં મધરાત બાદ બાદ 1-Above રેસ્ટોરન્ટમાં લાગેલી ભયાનક આગે બાદમાં બાજુની બે રેસ્ટોરન્ટને પણ ભરડો લીધો હતો. તે આગમાં 14 જણ માર્યા ગયા હતા અને બીજાં 12 જણ ઘાયલ થયા હતા.
ગઈ 1 જાન્યુઆરીએ પોલીસે 1-Above રેસ્ટોરન્ટના બે મેનેજર -કેવીન બાવા અને લિસ્બોન લોપેઝની ધરપકડ કરી હતી. એ બંને મેનેજર ઘટનાની રાતે આગ લાગ્યા બાદ ગ્રાહકોને મદદરૂપ થવાને બદલે ભાગી ગયા હતા. એ બંને જણને સ્થાનિક કોર્ટે 22 જાન્યુઆરી સુધી અદાલતી કસ્ટડીમાં પૂરી દીધા છે.
પોલીસે મોજો બિસ્ત્રો હોટેલના એક માલિકની પણ ધરપકડ કરી છે.