ચક્રવાત ‘ઓખી’ની અસરઃ મુંબઈમાં સતત હળવો વરસાદ, આજે શાળાઓમાં રજા છે

મુંબઈ – દેશના દક્ષિણ કાંઠા પર વિનાશ વેરનાર ચક્રવાત ઓખીની અસર હેઠળ હવે મુંબઈ અને ગુજરાતનો સમુદ્રકાંઠો પણ આવી ગયો છે. એને કારણે મુંબઈમાં ગઈ કાલ સાંજથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. મધરાત બાદ બંધ થઈ ગયેલો વરસાદ વહેલી સવારથી ફરી શરૂ થઈ ગયો છે.

મહારાષ્ટ્ર સરકારે સાવચેતીના પગલા તરીકે આજે મુંબઈ તથા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી છે.

મુંબઈમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

હવામાન વિભાગે આજે તથા આવતીકાલે, બુધવારે પણ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

ચક્રવાત ઓખી ગુજરાતના કાંઠા પર આજે મધરાતે ત્રાટકે એવી આગાહી છે.

ઓખી વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે અને તે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય અને અગ્નિ ખૂણે કેન્દ્રિત થયું છે અને તે કલાકના 12 કિ.મી.ની ગતિએ ઉત્તર-વાયવ્ય ખૂણા તરફ આગળ વધી રહ્યું હોવાથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં પણ પડવાની આગાહી છે.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, વાવાઝોડું મુંબઈ કાંઠાથી આશરે 600 કિ.મી. દૂર છે. જેમ વાવાઝોડું નજીક આવતું જશે તેમ મુંબઈમાં વરસાદ વધશે. ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને દરિયાકિનારા પર ન જવાની ચેતવણી આપી છે, કારણ કે વાવાઝોડાની અસરને કારણે દરિયામાં પાણીનાં ઊંચા મોજાં ઉછળશે.