મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી દિશા પટની આજે સવારે મુંબઈથી વિમાન દ્વારા કોઈક અજ્ઞાત સ્થળે રવાના થઈ છે. પરંતુ એરપોર્ટ પર એને અટકાવવામાં આવી હતી તે સમાચાર ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર ચમક્યા છે. દિશા જેવી એરપોર્ટની અંદર પ્રવેશવા ગઈ ત્યારે CISF ના એક અધિકારીએ એને ગેટ ઉપર જ અટકાવી હતી. દિશાએ અધિકારીને પોતાનાં મોબાઈલ ફોનમાંની ટિકિટ બતાવી હતી, પણ અધિકારીએ તેને એનું માન્ય ઓળખપત્ર – આધાર કાર્ડ બતાવવાનું કહ્યું હતું. દિશાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દિશાની હેન્ડબેગ તેનાં કોઈક મદદનીશ પાસે હતી. મદદનીશ બાજુમાં જ ઊભો હતો અને દિશાએ હેન્ડબેગ ખોલીને પોતાનું આધાર કાર્ડ બહાર કાઢ્યું હતું અને અધિકારીને બતાવ્યું હતું. તે જોયા પછી જ અધિકારીએ દિશાને એરપોર્ટમાં પ્રવેશવા દીધી હતી.
તે ઘટનાનો વીડિયો કોઈક પેસેન્જરે પોતાના મોબાઈલ ફોન પર ઉતાર્યો હતો અને ઈન્ટરનેટ પર શેર કર્યો હતો. જે ઝડપથી વાઈરલ થયો હતો. ઘણા નેટયૂઝર્સે CISFના અધિકારીની તરફેણ કરી છે, તેના વખાણ કર્યા છે કે દિશા એક અભિનેત્રી છે, સેલિબ્રિટી વ્યક્તિ છે તે છતાં તે અધિકારીએ કોઈ નરમ વલણ બતાવ્યું નહોતું અને આધાર કાર્ડ બતાવે તો જ એન્ટ્રી આપવાનો આગ્રહ રાખ્યો હતો. આમ કરીને તે અધિકારીએ બતાવી આપ્યું કે નિયમ દરેક જણ માટે સમાન હોય છે.
એરપોર્ટની અંદર પ્રવેશતાં પહેલાં દિશાએ બહાર ઊભેલા પ્રેસ ફોટોગ્રાફરો (પાપારાઝી) સાથે વાત કરી હતી અને એમને પોઝ આપ્યાં હતાં.
દિશા ટૂંક સમયમાં નવી ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં જોવા મળશે. તે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. અમિતાભ બચ્ચને પણ એમાં એક ભૂમિકા ભજવી છે.