મુંબઈ: બૃહદમુંબઈ મહાનગરપાલિકા શિક્ષણ વિભાગ અંતર્ગત શ્રી મોહનભાઈ પટેલ પ્રાથમિક શાળામાં અભિનય ગીતની આંતરશાળા સ્પર્ધાનું આયોજન તા. ૨૬/૮/૨૦૨૩ના દિવસે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫ પ્રાથમિક શાળાઓનાં ધોરણ-૧નાં ૧૫ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નાનાં ભૂલકાઓએ બાળગીતોને અભિનય સાથે ગાઈને સહુને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આ સ્પર્ધામાં શ્રી મોહનભાઈ પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કુમારી માનવી ઈશ્વર રબારીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયની ધ્રુવી કૌશલ મહેતાએ દ્વિતિય સ્થાન શોભાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના પ્રાચાર્ય શ્રીમતી કવિતાબહેન મારૂએ ધ્રુવીને અભિનય ગીત શીખવ્યું હતું. ‘ગામને ગોંદરે ગાડું ચાલે’ ગીત પ્રમાણે વેશભૂષા ઉપર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. ધ્રુવીએ ગીતના બોલ સ્પષ્ટપણે ગાઈને અભિનયના લ્હેકાઓ વડે સહુનું દિલ જીતી લીધું. ગુજરાતી માધ્યમની શાળા બદલાઈ રહી છે એ વાત આ સ્પર્ધાઓ દ્વારા માલૂમ પડે છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાવેશભાઈ ચૌહાણ અને મુકુંદભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને ખાનગી શાળા વિભાગનાં મનિષાબેન રાંભિયાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી.