ધારાવી રીડેવલપમેન્ટઃ અદાણીના બિડ વિશે રહેવાસીઓમાં શંકા

મુંબઈઃ ભારતના અબજોપતિ ગૌતમ અદાણીના જૂથે મુંબઈમાં એશિયાની સૌથી મોટી ગણાતી ધારાવી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ કરીને ત્યાંના દસ લાખ જેટલા લોકોને નવેસરથી વસાવવાની યોજના ઘડી છે. પરંતુ નાણાકીય ક્ષેત્રે અદાણીની મોટા પાયે નિષ્ફળતાના અહેવાલોથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગીઓએ એમના લાભને ખાતર અદાણીને આ કોન્ટ્રાક્ટ આપીને પક્ષપાત કર્યો હોવાના આક્ષેપોને કારણે અદાણીની રીડેવલપમેન્ટ ક્ષમતા વિશે ધારાવીનાં રહેવાસીઓમાં ચિંતા અને શંકાને જન્મ આપ્યો છે.

ધારાવી ઝૂંપડપટ્ટી કદમાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતાં ત્રણ ગણી મોટી છે. તે પૂર્વ મુંબઈમાં માહિમ-કિંગસર્કલ ઉપનગરોમાં આવેલી છે અને ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક પણ છે. મહારાષ્ટ્ર સરકારે ગયા જુલાઈ મહિનામાં ધારાવીના પુનર્વિકાસ માટે અદાણીની પસંદગી કરી હતી અને રૂ. 61 કરોડ 40 લાખની યોજનાનો કોન્ટ્રાક્ટ એમને ફાળવ્યો હતો. ધારાવી ઝૂંપડપટ્ટી લેધરની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જાણીતી છે.

અદાણી ગ્રુપ ધારાવી ઝૂંપડપટ્ટીના ગેરકાયદેસર અને બિસ્માર હાલતવાળા ઘરો, મકાનો અને ઝૂંપડાઓને તોડીને આ બિનઆરોગ્યપ્રદ વિસ્તારમાં મહારાષ્ટ્ર સરકારની જમીન પર નવા ટાવર બાંધી આપી રહેવાસીઓનું પુનર્વસન કરાવવા ધારે છે. એવું કહેવાય છે કે ધારાવીની કાયાપલટ કરવા માટે અદાણી કદાચ 12 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે અને તેના વળતર પેટે એમને ડેવલપમેન્ટના રાઈટ્સ મળશે જેના દ્વારા તેઓ 24 અબજ ડોલરની કમાણી કરી શકશે. રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત માત્ર એવા લોકોને જ મફતમાં ઘર મળશે જેઓ 2000ની સાલ પૂર્વેથી ધારાવીમાં રહે છે. મોટે ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને જ નવું મફત ઘર મળશે. મેઝેનાઈન અને ઉપરના માળ પર રહેતા આશરે સાત લાખ લોકો સરકારે જ અપાત્ર ગણાવ્યા છે. એમને ધારાવીથી 10 કિ.મી. દૂરના સ્થળે ઘરની ઓફર કરાશે, પણ એને માટે તેમણે અમુક કિંમત ચૂકવવી પડશે.

ધારાવીનું રીડેવલપમેન્ટ લગભગ સપ્ટેમ્બરથી શરૂ થવાની ધારણા છે. અદાણી ગયા જાન્યુઆરી સુધી દુનિયામાં ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ હતા. અદાણીની યોજના સામે હરીફ બિડર અને દુબઈસ્થિત સેકલિન્ક ટેક્નોલોજીસ કોર્પોરેશને કાનૂની પડકાર ફેંક્યો છે. આ જૂથનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે 2018ના મૂળ ટેન્ડરને અયોગ્ય રીતે રદ કર્યો છે. એમાં સેકલિન્કે સૌથી ઉંચું બિડ કર્યું હતું. પરંતુ સરકારે 2022માં નવેસરથી પ્રક્રિયા શરૂ કરી હતી કે જેથી અદાણી જીતી શકે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલની સરકાર ભાજપ અને તેના સહયોગી જૂથ અને પાર્ટીની છે. મુંબઈ હાઈકોર્ટે ગયા મહિને સેકલિન્કને તેના કેસમાં અદાણીનો ઉમેરો કરવાની પરવાનગી આપી હતી.