BMCએ ગણેશ વિસર્જન માટે ઠેર-ઠેર ‘પોન્ડ્સ ઓન વ્હીલ્સ’ બનાવ્યાં

મુંબઈઃ દર વર્ષે દેશમાં ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવ બહુ ધામધૂમથી ઊજવવામાં આવે છે. 10 દિવસના આ પર્વમાં લોકો ગણપતિની પૂજા-અર્ચના કરે છે અને ગણેશ (અનંત ચતુર્થી)એ એનું વિસર્જન કરે છે. પહેલી સપ્ટેમ્બરે દેશના અલગ-અલગ ભાગોમાં ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, પણ કોરોના રોગચાળાને કારણે આ વખતે ગણપતિ વિસર્જનમાં ઘણું પરિવર્તન આવી ગયું છે.

ચાલતા-ફરતા તળાવ

દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં મોટા ભાગના લોકો જ્યાં એક બાજુ ઘરમાંથી જ ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે, ત્યારે મુંબઈમાં ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે લોકોની ભીડ એકત્ર ના થાય એટલે BMCએ ચાલતા-ફરતા તળાવ બનાવ્યાં છે, જેને ‘પોન્ડ્સ ઓન વ્હીલ્સ’ નામ આપવામાં આવ્યું છે. આ શહેરમાં ફરશે, જેમાં લોકો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરશે.

35000 પોલીસ કર્મચારીઓ તહેનાત

મુંબઈમાં ગણપતિ વિસર્જન છે ત્યારે મુંબઈમાં 35,000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત  વિસર્જન સંદર્ભે 5000 CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, એ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ઉચ્ચ અધિકારીઓ પણ નિરીક્ષણ કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે.

ગણેશોત્સવની ચમક ઝાંખી

આમ તો દર વર્ષે મુંબઈમાં ગણેશ મહોત્સવની ખાસ ઝાકઝમાળ જોવા મળે છે, પણ કોરોનાને કારણે આ વખતે ગણેશોત્સવની ચમક ઝાંખી થઈ ગઈ છે. દરિયા કિનારે લોકોની ભીડ એકઠી ના થાય એટલા માટે પાલિકાએ મુંબઈમાં મુવિંગ પોન્ડ્સ બનાવ્યા છે. ટ્રકના પાછલા હિસ્સામાં પોન્ડ્સને તબદિલ કરવામાં આવ્યો છે. આ ટ્રક હાઉસિંગ સોસાયટીઓમાં ફરીને લોકોને બાપાની વિદાય કરવામાં મદદ કરશે.

એપથી પણ બુકિંગ

BMCએ કેટલાય ખાલી પ્લોટોમાં 167 આર્ટિફિશિયલ ટેન્ક પણ બનાવી છે. એના માટે એક એપ પણ લોન્ચ કરી છે. જ્યાંથી લોકો વિસર્જન માટે પોતાનો સ્લોટ બુક કરી શકે છે. એમાં પૂજન અને વિસર્જનની પ્રક્રિયા માટે અડધો કલાકનો સમય મળશે.

BMCની ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા

ગિરગાવ, દાદર, જુહુ, ચોપાટી પાસે રહેતા ભક્તો, સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે પાલિકાએ કૃત્રિમ તળાવો અથવા મંડપોમાં જ વિસર્જનની વ્યવસ્થા કરી આપી છે. જેથી લોકો ચોપાટી પર લોકો જાય નહીં.

કોરોના રોગચાળાને કારણે વિસર્જન વખતે થતી ભીડનો ટાળવા માટે પાલિકાએ મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ, ફરતા તળાવ, મૂર્તિ સંકલન કેન્દ્રો ઊભાં કર્યાં છે. ચોપાટીથી બે કિલોમીટર અંતરમાં રહેતા લોકોને ચોપાટી પર વિસર્જન કરવાની પરવાનગી છે. ગણેશ વિસર્જન માટે પાલિકાએ નોંધણી ફરજિયાત કરી છે.

ગણેશ વિસર્જનમાં ગિરદી ના થાય એ માટે પાલિકાએ 168 કૃત્રિમ તળાવ, 170 મૂર્તિ સંકલન કેન્દ્રો, ફરતા વિસર્જન સ્થળો, 70 નૈસર્ગિક સ્થળે 445 વિસર્જન સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.