માઓવાદીઓનો પ્લાન મોદી સરકારને ઉથલાવવાનો હતો, પકડાયેલાઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ પાસે પાકા પુરાવા છે

મુંબઈ – ધરપકડ કરાયેલા ચળવળકારોને માઓવાદી સંગઠનો તથા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓઈસ્ટ) સાથે સંપર્ક હોવાના અમને પાકા પુરાવા મળ્યા છે અને એના આધારે જ અમે એમની ધરપકડ કરી છે, એવું મહારાષ્ટ્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પરમબીર સિંહે આજે અહીં જણાવ્યું છે.

સિંહે કહ્યું કે, પકડાયેલા ચળવળકારો માઓવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતા. આ આખો કેસ ગયા વર્ષના જાન્યુઆરીનો છે. 2017ની 31 ડિસેંબરે બનેલી એક ઘટના બાદ 2018ની 8 જાન્યુઆરીએ કેસ નોંધવામાં આવ્યો હતો. 31 ડિસેંબરે માઓવાદી વિચારસરણીવાળાઓએ લોકોને ઉશ્કેરી મૂકે એવા ભાષણો કર્યા હતા. એને પગલે પોલીસે ચોક્કસ કલમો લાગુ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ કબીર કલા મંચ સાથે સંકળાયેલા હતા.

મહારાષ્ટ્ર પોલીસે પકડેલા આરોપીઓ

સિંહે કહ્યું કે, તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે માઓવાદી સંગઠનો રાજીવ ગાંધીની હત્યા ટાઈપનું કોઈક મોટું કાવતરું ઘડી રહ્યા હતા અને તેઓ એમના લક્ષ્ય તરફ આગળ વધે એ માટે આરોપીઓ એમને મદદ કરી રહ્યા હતા. એ ષડયંત્રમાં એક ત્રાસવાદી સંગઠન પણ સામેલ હતું. 17 મેએ, ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિયંત્રણ) કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

સિંહે વધુમાં કહ્યું કે, જે પુરાવા મળ્યા હતા એના પરથી સ્પષ્ટપણે સાબિત થયું હતું કે આરોપીઓને માઓવાદીઓ સાથે સંબંધ હતો અને આરોપીઓ ‘કોઈક મોટા પગલાં’ના આયોજન વિશે બોલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે ગયા મંગળવારે ડાબેરી વિચારસરણી ધરાવતા ચળવળકાર વરવરા રાવ, વેર્નન ગોન્સાલ્વીઝ, અરૂણ ફરેરા, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખાની ધરપકડ કરી હતી. ગયા વર્ષની 31 ડિસેંબરે પુણે નજીકના કોરેગાંવ-ભીમા ગામમાં આયોજિત એલ્ગર પરિષદ સંમેલન વિશે પોલીસે હાથ ધરેલી તપાસના ભાગરૂપે એમણે ઉક્ત ચળવળકારો-આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા હતા.

અમુક નામાંકિત વ્યક્તિઓએ આ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. કોર્ટે કહ્યું હતું કે પકડાયેલાઓને 6 સપ્ટેંબર સુધી નજરકેદમાં રાખવા.