વાહન ચલાવતાં સગીર બાળકોના માતા પિતા સામે કાર્યવાહી, 130 કેસ

અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂબેશ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નારણપુરા, નવરંગપુરા, વાડજ, અખબારનગર, યુનિવર્સિટી, રિવરફ્રન્ટ, પ્રગતિનગર, પાંજરાપોળ વગેરે જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને સગીર વયના વ્હીકલ ચલાવતા બાળકોના વાલીઓ સામે 130 જેટલી એફઆઈઆર દાખલ કરી છે.

પોલીસે વ્હીકલ ચલાવતા સગીર વયના બાળકોને પકડીને પહેલા તેમના માતા-પિતાને બોલાવ્યા હતા. પોલીસે આ બાળકોના માતા-પિતા સામે એફઆઈઆર નોંધીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રાફિક પોલીસે આ સિવાય વાહનો પણ ડિટેઈન કર્યા છે. 18 વર્ષથી ઓછી વયના સગીરને વાહન આપવું તે મોટર વ્હીકલ એક્ટ મુબજ ગંભીર ગુનો ગણાય છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 180 હેઠળ સગીર વયની વ્યક્તિને વાહન ચલાવવા આપનાર સામે રૂ.1 હજાર સુધી દંડ તેમજ મહત્તમ ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ છે. વાહન ચલાવનારા સગીરને પણ મહત્તમ રૂ.500 દંડ અને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાઇવેટ ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી કરતાં વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર બોલાવી  કાર્યવાહી કરવામાં આવી રહી છે. 18 વર્ષથી નીચેના જે વિદ્યાર્થીઓ વાહનો લઈને આવતાં પકડાયાં તેમાં સવારથી લઇને સાંજના 6 સુધીમાં 130થી વધુ કેસ કરવામાં આવ્યાં છે. એક કાર્યવાહી દરમિયાનએલેન ઇન્સ્ટિટ્યૂટ પર વિદ્યાર્થીઓ દોડીને ભાગી ગયાં હતાં.