લશ્કરના શહીદ જવાનોની વીરપત્નીઓ, કિસાનો માટે અમિતાભનું બે કરોડનું દાન

0
772

મુંબઈ – દેશના લશ્કરના વીરગતી પામેલા જવાનોની વીરપત્નીઓને તેમજ કિસાનોની સુખાકારી માટે પોતે બે કરોડ રૂપિયાનું દાન કરવાના છે એવા અહેવાલોને બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સમર્થન આપ્યું છે.

75 વર્ષીય અમિતાભે ટ્વિટર પર આ જાણકારી આપી છે. સાથોસાથ એમણે કેટલાક લેખ પણ શેર કર્યા છે. એમણે કેપ્શનમાં લખ્યું છે, ‘યસ આઈ કેન એન્ડ આઈ વિલ…’

અહેવાલો અનુસાર, અમિતાભે શહીદોનાં પરિવારોને રૂ. એક કરોડ તથા લીધેલી લોન ભરપાઈ કરી શકે એ માટે જરૂરિયાતમંદ કિસાનોને એક કરોડ, એમ કુલ બે કરોડ રૂપિયા દાનમાં આપવાનો સંકલ્પ કર્યો છે.

અમિતાભે એમનાં આ પૈસા ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચે એની તકેદારી લેવા માટે વિશ્વાસપાત્ર સંસ્થાઓને શોધી કાઢી એમની યાદી તૈયાર કરવા માટે એક ટૂકડી બનાવી છે.