અમદાવાદઃ સાહિત્યકાર બકુલ બક્ષીનું નિધન

અમદાવાદ– ગુજરાતના લેખન સાહિત્યક્ષેત્રમાં આજે વધુ ખોટ પડી છે. 77 વર્ષી બકુલભાઈ બક્ષીનું આજે અમદાવાદમાં નિધન થયું છે. તેઓએ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.તેમના નિધનના સમાચાર સાથે સાહિત્યજગતમાં શોકની લાગણી ફરી વળી છે.‘ચિત્રલેખા’માં તેમની ‘શબ્દોની સોનોગ્રાફી’ કોલમ અતિ લોકપ્રિય રહી છે. તેમના નિધનથી ચિત્રલેખા પરિવારને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.

બકુલભાઇ બક્ષીનો જન્મ 1941માં કોલકતામાં થયો હતો. તેઓ સાહિત્યકાર લલિતકુમાર બક્ષી અને ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુ હતાં. બી.કોમ અને આઈએએસની પરીક્ષા પાસ કર્યા બાદ, તેઓ ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં જોડાયાં હતાં. બકુલભાઈ બક્ષી ગુજરાતી સમુદાયના એકમાત્ર સભ્ય હતા જેમણે કસ્ટમ્સ કલેકટરની આદરણીય પદવી મેળવી હતી.જે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. વર્ષ 2003માં મુંબઈના ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ તરીકે નિવૃત થયા હતા. નિવૃતિ બાદ તેઓ લેખન-વાંચનમાં ખુબ વ્યસ્ત રહેતા હતા. વિવિધ સમારંભોમાં મોટીવેશનલ અને ટાઈમ મેનેજમેન્ટ વિશે પ્રવચનો આપવા જતા. તેમજ દીર્ધ વ્યવસાયી અનુભવના પરિપાકરૂપે કસ્ટમ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના કન્સ્લટન્ટ તરીકે પ્રવૃત રહેતા હતા.

છેલ્લાં કેટલાક દાયકાથી ગુજરાત અને મુંબઈના કેટલાક અખબારોમાં ગુજરાતીમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. તેમના ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓએ એક કુશળ અધિકારીને શોભે તેમ તેમની વિવિધ ભૂમિકાઓ વચ્ચે સારા સંતુલન માટે હંમેશા વખણાયાં હતાં. તેઓ માટે કહેવાયું છે કે તેઓ ઓછા શબ્દોમાં વધુ વાત કહેવાની કળામાં માહેર હતાં અને ભાષા, સાહિત્ય અને જીવનને સ્પર્શતા વિષયો પર અભ્યાસપૂર્ણ વાંચનસામગ્રી પીરસતાં રહ્યાં હતાં.ચિત્રલેખા પરિવાર તરફથી એમના સ્વજનોને હાર્દિક સાંત્વના.

તેમણે 160થી વધુ ગુજરાતી પુસ્તક લખ્યા હતા, જેમાં કલ્ચર ફંડા, માર્કેટ ફંડા, અંજુમન, શબ્દોની સોનોગ્રાફી, ભાષા પશ્ચિમની-શબ્દો પૂર્વના, 1857, વિરાસત, કાંરવા, પડાવ, સરગમ, સંસ્કાર ગાથા, પ્રતિબંધ, અનેક રંગ, અવસર, બા-અદબ, રાગ અતીત, અસ્મિતાનો ચહેરો, રાજ દરબાર, તસવીર, મોનાલીસા, મજલિસ, ઓટોગ્રાફ વિગેરે… ગુજરાતી પુસ્તકો લખ્યા હતા. ઉપરાંત જીવન બદલી નાંખે તેવા પ્રેરણાત્મક 75 પુસ્તકો અને નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવા પ્રેરણાદાયી પુસ્તકોના લેખક હતા. અંગ્રેજીમાં ચાણકય સ્ટ્રેટેજી પુસ્તક પણ લખ્યું હતું.

સદગત બકુલભાઈ ઓછા બોલા તેમજ મિલનસાર અને સરળ સ્વભાવી હતી. ચીવટ અને નિયમિતતાનો ગુણ ધરાવતા હતા.

સદગતના પરિવારમાં પત્ની માયાબહેન અને પુત્રી નિશીથા છે. નિશીથાબહેન શહેરના નામાંકિત કોર્પોરેટ લોયર છે. નિશીથાબહેને ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતાજીની અંતિમવિધિ આજે ગુરુવારે સવારે કરવામાં આવી હતી,  સદગતની ઈચ્છા અનુસાર અમે બેસણું રાખ્યું નથી.

અહેવાલ- મહેશ શાહ, તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ