NSEમાં બિન-કૃષિ ડેરિવેટિવ્ઝ ઓપ્શન્સના ટર્નઓવરમાં 1077 ટકાનો વધારો

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં ડિસેમ્બર મહિનામાં બિન-કૃષિ કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં 1077 ટકાનો વધારો થયો છે. બજારના નિયામક સેબીએ બહાર પાડેલા માસિક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સના ટર્નઓવરમાં આવેલા ઉછાળાને પગલે એનએસઈ આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે.

સેબીના જણાવ્યા પ્રમાણે એનએસઈમાં બિન-કૃષિ કોમોડિટીઝનું ટર્નઓવર મહિના પૂર્વેના રૂ. 1093 કરોડ પરથી વધીને ડિસેમ્બર, 2023માં 12,867 કરોડ થયું છે. આ ઘટના રોકાણકારોના અભિગમ અને વેપાર કરવાની પદ્ધતિમાં થયેલા પરિવર્તનને દર્શાવે છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓપ્શન્સના કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઘટના ડેરિવેટિવ્ઝ માર્કેટમાં બિન-કૃષિ ચીજોના વધી રહેલા મહત્ત્વને પણ દર્શાવે છે. રોકાણકારો પરંપરાગત કૃષિ ચીજો સિવાયનાં ક્ષેત્રોમાં પણ તકો તલાશી રહ્યા છે એનો આ પુરાવો છે. જોખમ વ્યવસ્થાપનના ક્ષેત્રે ડેરિવેટિવ્ઝ મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે એમ છે. આ ઘટનાને કારણે એક્સચેન્જીસને બિન-કૃષિ ચીજોના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ દાખલ કરવાનું ઉત્તેજન મળશે.