US રહેતા ભારતીયોનું ભાવિ ઊજળું, ભારતીય ટેલેન્ટની જરૂરઃ ગાંધી

મુંબઈઃ અમેરિકામાં રહેતા ભારતીયોનું ભાવિ એ વિષય પર કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ગુજરાતી ભાષા ભવન દ્વારા ૨૦ જાન્યુઆરીના શનિવારની સાંજે યોજાયેલા કાર્યક્રમમાં વક્તવ્ય આપતા નટવર ગાંધીએ આ વિચાર બહુ જ વ્યવહારુ દ્રષ્ટિ સાથે વ્યકત કર્યા હતા અને શ્રોતાઓના સવાલોના જવાબ પણ આપ્યા હતા. અમેરિકા વિશ્વમાં સૌથી વધુ પરિવર્તનશીલ દેશ છે, જેણે અનેક દેશોના લોકોને પોતાનામાં સમાવ્યા છે, અનેક તકો આપી છે અને ટેલેન્ટની ઊંચી કદર પણ કરી છે. આ દેશમાં રિસેશન ચાલી રહ્યું હોવાની વાત આધારવિહોણી છે. અમેરિકા તેની ઈકોનોમીને સારી રીતે મેનેજ કરી શકે છે અને ઘણી વાર તે અનેક પ્રકારના પડકારોમાંથી બહાર આવ્યું છે. અમેરિકામાં રહેતા યા ભણતા ભારતીયોએ આ વિષયમાં ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકામાં ભારતીયોની સારી ડિમાંડ છે અને ટેલેન્ટની વધુ માગ છે… આ શબ્દો છે, ફાઇનાન્સિયલ એકસપર્ટ, પ્રોફેસર, લેખક નટવર ગાંધીના છે.

તેમનું કહેવું હતું કે ભારતીયોએ આ વિષયમાં ચિંતા કરવાની જરૂર નથી, અહીં મહેનતુ ભારતીયોની માગ છે. આ દેશ દરેકને તક આપે છે, જે તકનો સદુપયોગ કરી જાણે છે તેમને નવી ઊંચાઈએ પણ મૂકે છે. આજે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની ટીમમાં પચાસ ભારતીયો સ્થાન ધરાવે છે. આજે ટોચની અમેરિકન કંપનીઓમાં ભારતીયો મોટા હોદ્દા પર કાર્યરત છે. ગુગલ, માઇક્રોસોફટ સહિત કેટલાક દાખલા જાહેર છે.તેમણે પોતાની સરળ અને સ્પષ્ટ શૈલીમાં શ્રોતાઓને રસપ્રદ વાતો કરતાં કહ્યું હતું કે હાલ અમેરિકામાં અનેક ભારતીય મિલિયનર છે, આ દેશમાં લોકો ત્રણ તબકકામાં આવ્યા છે. પ્રથમ તબકકો ૧૯૧૮, બીજો ૧૯૬૫-૭૦ અને ત્રીજો તબકકો હાલનાં વરસોનો છે. અહીં જે રીતે વિવિધ દેશોમાંથી લોકો આવે છે તેને ધ્યાનમાં રાખતા ૨૦૪૦ સુધીમાં આ દેશ માત્ર ગોરાઓનો દેશ નહીં રહે. નટવર ગાંધી સાથે તેમનાં જીવનસંગિની કવિયત્રી પન્ના નાયકે આ પ્રસંગે હાજર રહી પોતાના કેટલાંક સંવેદનશીલ કાવ્યો રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશીએ નટવર ગાંધી અને પન્નાબેનનો પરિચય આપવા સાથે પ્રાસંગિક વિચારો વ્યકત કર્યા હતા. કાંદિવલી એજયુકેશન સોસાયટી વતી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહે નોખી શબ્દ શૈલીમાં આવકાર વિધિ કરી હતી.