VIDEO: મુંબઈ વાતાવરણમાં અચાનક પલટો, વા-વંટોળ સાથે વરસાદ શરૂ

મુંબઈ: હવામાન વિભાગે હજી તો કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યાં આજે જ એટલે કે સોમવારે મુંબઈમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ધૂળની ડમરીઓ અને જોરદાર પવન ફૂંકાયો હતો. પછી તરત જ વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.જોરદાર પવન અને વાવાઝોડાને કારણે ધોળા દિવસે રાત જેવું દ્રશ્ય દેખાવા લાગ્યું હતું. બધે જ અંધારું છવાઈ ગયું હતું. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.

મુંબઈ હવામાન વિભાગે હજી તો કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યાં મુંબઈમાં વરસાદ વરસવા પણ લાગ્યો. મહારાષ્ટ્રમાં પ્રી-મોન્સુન વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. થાણે સહિત કોંકણના ઘણા જિલ્લાઓને કમોસમી વરસાદ માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે, રાયગઢમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લોઅર પરેલના દ્રશ્યો

હવામાન વિભાગે આજે મુંબઈમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. એવામાં આજે મુંબઈમાં વા-વંટોળ સાથે વરસાદ પહોંચી ગયો છે. શહેરમાં ભારે પવાન, કાળા વાદળો અને ધૂળની ડમરીઓ બાદ વાતાવરણ બદલાઈ ગયું છે. હજી કલાક પહેલા જ તડકો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. આ પછી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અંધેરી અને પરેલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

મીરા રોડના દ્રશ્યો

હવામાનની ચેતવણી જારી
હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે કે આગામી 3-4 કલાક દરમિયાન પાલઘર અને થાણે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના છે. બહાર જતી વખતે મુંબઈકર્સે સાવધાની રાખવી પડશે.

જોરદાર પવન બાદ મરીન ડ્રાઇવ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, ત્યારબાદ ભારે વરસાદ પણ શરૂ થયો હતો. વાવાઝોડાને કારણે નવી મુંબઈના ઐરોલી સેક્ટર 5માં એક વૃક્ષ પણ પડી ગયું છે, જોકે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.