મુંબઈ: કુમાર સામયિકના શતાબ્દી વર્ષ નિમિત્તે કાંદિવલીમાં કાર્યક્રમનું આયોજન

કોઈ ગુજરાતી સામયિક 100 વર્ષ પુરાં કર્યા બાદ અકબંધ તેની યાત્રા ચાલુ રાખે એ ગૌરવની અને આનંદની વાત છે. આ આનંદને ઉત્સવ તરીકે માણવા અને કુમારના 100 વર્ષની યાત્રાના અનુભવોને લોકો સમક્ષ મુકવાના ઉમદા ઉદેશ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ અને કળા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને વરેલી કાંદિવલીની સંસ્થા સંવિત્તિના સંયુક્ત ઉપક્રમે ‘કુમાર સામયિકની શતાબ્દીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રમણભાઈ સોની અને રમણીક ઝાપડિયા

આવતી કાલે એટલે કે 29 જૂન, શનિવારના રોજ કાંદિવલી ખાતે કે.ઈ.એસ.ઇન્ટરનેશનલ સ્કૂલના હોલમાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુખ્યત્વે ‘કુમાર સામયિક’ની વિવિધ પરિપ્રેક્ષ્યથી વાત થશે અને વિતેલા 100 વર્ષનાં સમયમાં તંત્રી, વાચકોની ભૂમિકા અને સાહિત્ય સમજણ કઈ રીતે ઘડાતી ગઈ, બદલાતી ગઈ આ અંગે ચર્ચા થશે. માત્ર ગૌરવ નહીં, પરંતુ સામયિકના સમગ્રલક્ષી ઘડતરને સમજવાનો ઉપક્રમ છે. 2014થી સંવિત્તિ ગુજરાતી સાહિત્યના સત્વશીલ કાર્યક્રમ નિયમિત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ,(અમદાવાદ) ગુજરાત બહાર સાહિત્યના ઘડતર માટે સતત કાર્ય કરવા ઉત્સુક છે. પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી સમગ્ર ભારતમાં ગુજરાતી સાહિત્યના અનેક કાર્યક્રમ કરવા આતુર છે અને ખાસ કરીને મુંબઈના ગુજરાતી સાહિત્ય ભાવકોને પરિષદ સાથે જોડવાનું લક્ષ્ય પણ રાખે છે ત્યારે સંવિત્તિ, કાંદિવલીની સંસ્થા સાથેનું જોડાણ એક મહત્વનો આરંભ બની રહેશે.

પ્રફુલ રાવલ અને હસિત મહેતા

આ કાર્યક્રમની ભૂમિકા સાહિત્ય પરિષદના મંત્રી ડૉ.સેજલ શાહ રજૂ કરશે. કુમાર સામાયિકનો ઈતિહાસ :પ્રફુલ્લ રાવળ પ્રસ્તુત કરશે. તેમ જ “જ્ઞાનનાં વિશાળ ફલકનું સાંકળિયુ -કુમાર” શીર્ષક હેઠળ હસિત મહેતા રજૂઆત કરશે. કુમારના સ્થાપતિ બચુભાઈ રાવત અને રમણભાઈ સોની પોતાના વિચારો-મનોભાવ વ્યકત કરશે. ચાર દાયકા સુધી વિવિધ યુનિવસિર્ટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણભાઈ સોની ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. કલાતીર્થ દ્વારા થનાર કુમાર વિશેષનાં પાંચ અંકો -ભૂમિકા અને કારણો અંગે રમણીક ઝાપડિયા વાત કરશે. કુમાર સામયિક સાથેના કેટલાંક અંગત સંસ્મરણો સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. દિનકર જોશી, અને સંવિત્તિના એક સ્થાપક સભ્ય અને મુખ્ય સુત્રધાર કીર્તિ શાહ રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવિત્તિના ફાઉન્ડર્સમાંના એક સભ્ય ડૉ. હાર્દિક ભટ્ટ કરશે.

સાહિત્ય રસિક અને કુમાર પ્રેમીઓને હાર્દિક આમંત્રણ. કાર્યક્રમ નિઃશુલ્ક રહેશે અને બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે રહેશે.