બૉલિવૂડમાં બેક ટુ બેક ફિલ્મ કરી રહ્યો છે આ ગુજરાતી યંગ એક્ટર

મુંબઈનો એક ગુજરાતી યંગ કલાકાર, જે અભિનેતા તરીકે બેક ટુ બેક બૉલિવૂડ ફિલ્મ્સ કરી રહ્યો છે. 18 વર્ષનો વરુણ બુદ્ધદેવ, જે ન માત્ર યંગસ્ટર્સ માટે પ્રેરણા છે પરંતુ દરેક ગુજરાતીઓનું ગૌરવ પણ છે. તાજેતરમાં આવેલી બૉલિવૂડ ફિલ્મ ‘વીર સાવરકર’ થી લઈ બહુ ચર્ચિત ફિલ્મ ‘RRR’,`કેદારનાથ`, ‘કડક સિંહ’, `પૃથ્વીરાજ`, `બાજાર` અને `તુલસીદાસ જુનિયર` સહિતની ફિલ્મોમાં વરુણ જબરદસ્ત કામ કર્યુ છે. તેમજ અભિનય ક્ષેત્રે કેટલાક જાણીતા એવોર્ડ પણ પોતાને નામ કર્યા છે. વરુણે બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે. ચિત્રલેખાએ વરુણ સાથે ખાસ વાતચીત કરી હતી. આટલી નાની ઉંમરમાં વરુણે કેવી રીતે આ સિદ્ધિઓ હાંસિલ કરી? અભ્યાસ અને અભિનય વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે? સૌપ્રથમ બ્રેક કેવી રીતે અને ક્યાં મળ્યો? એ બધું જ જાણીએ આ અહેવાલમાં.

કેવી રીતે મળ્યો પ્રથમ બ્રેક?

તાજેતરમાં જ વરુણે ‘વીર સાવરકર’ફિલ્મમાં કામ કર્યુ છે. જેમાં તેના અભિનયની પ્રશંસા પણ ખૂબ થઈ રહી છે. તેમજ પંકજ ત્રિપાઠી સાથે ‘કડક સિંહ’ફિલ્મમાં અભિનય કર્યો છે. વરુણ બુદ્ધદેવ એક યંગ અભિનેતા છે,જેનો જન્મ મુંબઈના મલાડમાં ગુજરાતી પરિવારમાં થયો.

બૉલિવૂડના અનેક દિગ્ગજ અભિનેતાઓ સાથે મોટા પડદા પર સ્ક્રિન શેર કરી છે. 100 થી વધુ જાહેરાતો, ફિલ્મ્સ, વેબ સિરીઝ અને સિરિયલ્સમાં અભિનયનો ઓજસ પાથરનાર વરુણને પહેલો બ્રેક 8 વર્ષની ઉંમરે મળ્યો હતો.વરુણ તેના દાદા સાથે એકવાર એક મૉલમાં ગયો હતો. તેનો ચહેરો ખૂબ જ ક્યુટ હોવાથી ત્યાં તેને એક જાહેરાતની ઓફ મળી. વરુણે એક્ટિંગ ક્ષેત્રે જવાનું ક્યારેય વિચાર્યુ નહોતું. પરંતુ વિજ્ઞાપનની ઓફર મળતાં જ તેણે તે તક ઝડપી લીધી. આ રીતે વરુણનને પહેલો બ્રેક મળ્યો અને પછી તો બેક ટુ બેક પ્રોજેક્ટ મળવા લાગ્યા.

આ ફિલ્મોમાં કર્યુ છે કામ

પોતાની કલા કૌશલ્યથી વરુણેઘણાં પુરસ્કાર પણ પોતાને નામ કર્યા છે. જેમાં નેશનલ અવોર્ડ, દાદા સાહેબ ફાળકે પ્રમાણપત્ર અને સત્યજીત રે એવોર્ડ સહિતના સન્માન સામેલ છે. થોડા દિવસો પહેલા આયોજિત સમારોહમાં વરુણ ‘ગુજરાત ગૌરવ’નો એવોર્ડ પણ સિદ્ધ કર્યો છે. વરુણ સ્ક્રીન પર કામ કરતો ગયો અને ધીમે ધીમે ટીવી સીરિયલ, ફિલ્મ્સ અને હવે તો વેબ સીરિઝમાં મહત્વની ભૂમિકા ભજવવા લાગ્યો છે. વરુણે ઓસ્કરમાં ધમાલ મચાવનાર રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ`RRR`માં અજય દેવગણ સાથે અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે `કેદારનાથ`, `બાજાર`, `પૃથ્વીરાજ`,મુંબઈ ગાથા અને બુલબુલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. વરુણે સંજય દત્ત અને રાજીવ કપૂર સાથે આશુતોષ ગોવારીકર પ્રોડક્શનની ફિલ્મ `તુલસીદાસ જુનિયર` ફિલ્મ કરી હતી.જેમાં તેનું પાત્ર ખુબ જ મહત્વનું હતું. આ ફિલ્મ માટે વરુણ બુદ્ધદેવને ભારતના રાષ્ટ્રપતિ તરફથી `શ્રેષ્ઠ બાળ અભિનેતા વિશેષ જ્યુરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર` એનાયત કરવામાં આવ્યો હતો.

એક્ટિંગ સાથે અભ્યાસને પણ મહત્વ

વરુણ માત્ર અભિનયમાં જ નહીં પરંતુ ડાન્સ અને સ્પોટ્સમાં પણ આગળ છે. સાથે સાથે અભ્યાસમાં પણ અવ્વલ ખરો જ.અભિનય અને અભ્યાસનું સંતુલન જાળવવામાં પણ વરુણ માહિર છે. ધોરણ 10માં વરુણે 87 ટકાઅનેધોરણ 11માં 80 ટકા મેળવ્યા છે. હાલમાં તેણે ઘોરણ 12 પૂર્ણ કરી હવે તે કૉલેજમાં પ્રવેશ મેળવશે. એક્ટિંગ અને અભ્યાસનું સંતુલન જાળવવામાં તેના પેરેન્ટ્સ તેને ખુબ સહયોગ મળે છે.

વરુણ બુદ્ધદેવ વિરાટ કોહલી, શાહરુખ ખાન, સંજય દત્ત, રામ ચરણ અને સુશાંત સિંહ સહિતના દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂક્યો છે. આગામી દિવસોમાં આ વર્ષે જ વરુણની `બચ્ચા ગેંગ` ફિલ્મ રિલીઝ થવાની છે. જેફિલ્મ કબડ્ડી પર આધારિત છે, જેમાં વરુણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.વેબ સીરિઝની વાત કરીએ તો એમાં પણ વરુણ આગળ નીકળી ગયો છે. `ધ એમ્પાયર`, `લવ સ્લીપ રિપીટ`, `યાર દોસ્ત`, `હેપ્પિલી એવર આફ્ટર` અને `7 ડેઝ વિથાઉટ યૂ` જેવી વેબ સીરિઝમાં તેણે શાનદાર અભિનય કર્યો છે. બૉલિવૂડમાં ધમાલ મચાવવાની સાથે વરુણે હોલિવૂડમાં પણ એન્ટ્રી કરી લીધી છે. ‘ટિચર્સ ગિફ્ટ’ નામની ફિલ્મમાં વરુણે કામ કર્યો છે. જે આ વર્ષે રિલીઝ થવાની છે. તેમજ તાજેતરમાં તેણે વિકી કૌશલ સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. જે ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે.આમ આ ગુજરાતી કલાકાર એ દરેક યંગસ્ટર્સ માટે પ્રેરણાદાયી છે જે પોતાના સપનાની ઉડાન ભરવા માગે છે.

(નિરાલી કાલાણી)