ગુજરાતમાં પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને મળશે રૂ.20થી 25 હજારની સ્કોલરશિપ

સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશનને તબક્કે વિદ્યાર્થીને પાંચ હજારથી 7 હજાર સ્કોલરશિપ 1,451 પ્રાઈવેટ- ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી 400ની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિને પગલે એક જ દિવસમાં ‘જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ’ને હવે ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’માં તબદિલ થઈ ચૂક્યો છે.

સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગની સહીથી તેનો ઠરાવ પ્રસિધ્ધ થયો

ધોરણ-6થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના નામે પ્રાઈવેટ સ્કૂલોને વિદ્યાર્થીદિઠ રૂપિયા 20 હજાર સુધીની સહાય ચૂકાવવાનો પ્રોજેક્ટ પડતો મુકી રાજ્યના શિક્ષણ વિભાગે બુધવારે મેરિટ સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરીને સળંગ 7 વર્ષ માટે પ્રતિવર્ષ 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હેઠળ સીધી સહાય ચૂકવાશે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના’ અમલમાં આવી

30મી જાન્યુઆરી 2023ના રોજ જાહેર થયેલી જ્ઞાન સેતુ ડે- સ્કૂલ્સ પ્રોજેક્ટમાં ધોરણ-6થી 12 સુધીનું સળંગ શિક્ષણ આપતી 400 પ્રાઈવેટ, ગ્રાન્ટેબલ સ્કૂલો સરકાર દ્વારા પસંદ કરવાની રહેતી હતી. જેમાં દર વર્ષે યોજનારી કોમન ટેસ્ટમાં અગ્રતાક્રમે રહેલા 30 હજાર વિદ્યાર્થીને પ્રવેશ મળવાનો રહેતો હતો. આ પ્રોજેક્ટમાં સરકાર વિદ્યાર્થીદિઠ પ્રથમ વર્ષે રૂપિયા 20 હજાર અને બાદમાં દરવર્ષે 7 ટકાનો વધારો કરી એ આ રકમ સ્કૂલોને ચૂકવવાની હતી ! એક રીતે પ્રાઈવેટ સ્કૂલોને આર્થિક ફાયદો કરી આપવાના નામે તૈયાર આ પ્રોજેક્ટ તૈયાર થયો હતો. જેમાં સ્કૂલ પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિની બુમો પડતા હવે સરકારે આ પ્રોજેક્ટ પડતો મુકી તેના સ્થાને ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના’ નવી યોજના અમલમાં મુકી છે.

એક જ દિવસમાં ડે સ્કૂલ્સનો પ્રોજેક્ટને ‘સ્કોલરશીપ’માં ફેરવવો પડયો

બુધવારે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગની સહીથી તેનો ઠરાવ પ્રસિધ્ધ થયો હતો. આ ઠરાવમાં કોમન કોમન ટેસ્ટમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ઈચ્છાનુસાર સ્કૂલમાં એડમિશનની છુટ મળશે. અલબત્ત એ સ્કૂલની યાદી નિયત માપદંડોને આધિન શિક્ષણ વિભાગ દ્વાર દરવર્ષે તૈયાર કરવામાં આવશે. એટલુ જ નહિ, અગાઉ જે રકમ સીધી સ્કૂલોને મળનાર હતી તેના સ્થાને હવે પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશનને તબક્કે વિદ્યાર્થીને જ સીધા તેના બેંક ખાતામાં રૂ.20 હજારથી લઈને રૂ.25 હજાર સુધી સ્કોલરશીપ ચૂકવાશે. જો વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખે તો ત્યાં ફીનું ધોરણ ઓછુ કે ન હોવાથી રૂ.5,000થી 7 હજાર સુધી સ્કોલરશીપ મળશે. એટલુ જ નહિ, વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લેશે તો આવી શાળાને પણ પ્રોત્સાહનરૂપે રૂપિયા ચાર હજાર સુધીની સહાય આપવાનો નિર્ણય થયો છે.