અમદાવાદ: મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.
ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇપણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇનો સમર્થક છે, એ હજરત હુસેન અને એમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે.મોહરમના આ પ્રસંગે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યુ હતું. આ વર્ષે 93 તાજીયા, 20 અખાડા, 78 ઢોલ તાસાં પાર્ટીઓ, 20 લાઉડસ્પીકર્સ, 14 અલગ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 ઊંટગાડી સાથે માતમ સમૂહ જોવા મળશે.તાજીયાને ઠંડા કરવા માટે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એલિસબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના કાલુપુર, જમાલપુર, દરિયાપુર, ખાનપુર સહિત અનેક વિસ્તારમાંથી નાના મોટા વિવિધ આકારના તાજીયા બનાવી મુસ્લિમ બિરાદરોએ શ્રધ્ધા વ્યક્ત કરી હતી.કાલુપુર ટાવર નજીકના રહેવાસી કાઝિમભાઈ ચિત્રલેખા.કોમને કહે છે અમારો તાજીયો 50 વર્ષ જૂનો છે. આ ચાંદી સાથે બનેલા તાજીયાને માણેકચોકના કેશવ પ્રભુદાસ ચોક્સીએ બનાવ્યો હતો.શહેરમાં જે સ્થળેથી તાજીયા પસાર થયા ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવા તેમજ જુલુસમાં ભાગ લેનાર લોકોને શરબત પાણીની સુવિધાઓ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને એસ.આર.પીના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)