PM મોદીએ CJIના ઘરે કરી ગણેશ પૂજા, રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિવિધ પક્ષો એકબીજાની ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. શિવસેના(UBT)એ ભારતના મુખ્ય ન્યાયધીશ ડી. વાય. ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તો CJIને શિવસેના સંબંધિત કેસથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. આ આક્ષેપો પાછળનું કારણ વડાપ્રધાન મોદીની CJIના આવાસના મુલાકાત છે.બીજી તરફ સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પણ ટ્વિટ કરીને લખ્યું કે, આ પ્રકારની સ્થિતિ ન્યાયાધીશની આચાર સંહિતાના ઉલ્લંઘન સમાન છે. મુખ્ય ન્યાયાધીશે પોતાના પદની ગરિમાને અનુરૂપ વરિષ્ઠ નેતાઓથી ઉચિત અંતર બનાવી રાખવું જરૂરી છે. જે આ તસવીરમાં નિષ્ફળ દેખાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્ય ન્યાયાધીશના આવાસ પર પહોંચી, ગણેશ પૂજામાં ભાગ લીધો હતો. આ સિવાય ઘણા વકીલોએ પણ આ મુલાકાત પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે, ભાજપે તેને માત્ર પૂજામાં હાજરી સુધી જ સીમિત ગણાવી છે.

વડાપ્રધાન મોદીએ આ સાથે જોડાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, ‘CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા. ભગવાન શ્રી ગણેશ આપણા બધાંને સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે.