સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ “હૈ પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હૂં, ભારત કા રહને વાલા હૂં, ભારત કી બાત સુનાતા હૂં” – કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ 55 વર્ષ જૂની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ના ગીતની પંક્તિ X  પર એક ગર્ભિત સંદેશ રૂપે પોસ્ટ કરી છે. આ પંક્તિએ રાજકીય માહોલમાં ચર્ચા જમાવી છે.

મનીષ તિવારીએ સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ વિષયક ચર્ચામાં કોંગ્રેસ દ્વારા પોતાને બોલવાનો મોકો ન આપવા માટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનીષ તિવારી અને શશિ થરૂર — બંનેએ આ મુદ્દે સંસદમાં બોલવાની ઇચ્છા દર્શાવી હતી,  પણ પાર્ટીએ તેમને તક આપી નહોતી.

કૉંગ્રેસે લોકસભામાં જેમને બોલવાની તક આપી તેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પ્રણીતિ શિંદે, ગૌરવ ગોગોઇ, દીપેન્દ્ર હુડ્ડા, સપ્તગિરી ઉલાકા અને બિજેન્ડ્ર ઓલા જેવાં નામો સામેલ છે.

મનીષ તિવારી અને શશિ થરૂર એવા બે વરિષ્ઠ કોંગ્રેસ સાંસદ છે જેમને કેન્દ્ર સરકાર દ્વારા સરહદી આતંકવાદ સામે ભારતના વલણને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળોમાં સામેલ કરવામાં આવ્યા હતા, એમ છતાં આ બંને નેતાઓને સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ ચર્ચા માટે બોલાવવામાં આવ્યા નહોતા.

મનીષ તિવારીએ પાર્ટીને ખાસ કહીને બોલવા ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ, શશિ થરૂરને પણ કોંગ્રેસે બોલવા માટે કહ્યુ હતું, પણ શરત હતી કે તેઓ પાર્ટીની લાઇનનું પાલન કરે. થરૂરે આ શરત માનવા ઇનકાર કરી દેતાં કહ્યું હતું કે તેમને લાગે છે કે સરકારનું આ પગલાં સફળ રહ્યું છે, તેથી તેમણે સંસદમાં બોલવાને ઇનકાર કર્યો હતો.