ગાંધીનગર: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ હોય છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.
આ પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો પણ સમાવેશ થાય છે.
ક્રમ | પ્રવાસન સ્થળ | એપ્રિલ-23 | એપ્રિલ-24 | મે-23 | મે-24 |
1 | SoU અને આકર્ષણો | 1,58,605 | 1,76,942 | 1,85,989 | 2,66,835 |
2 | અટલ બ્રિજ | 2,09,218 | 1,84,924 | 2,64,956 | 2,41,581 |
3 | રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક | 14,965 | 38,538 | 14,718 | 16,548 |
4 | કાંકરિયા તળાવ | 5,17,438 | 5,34,639 | 6,64,400 | 5,75,987 |
5 | પાવાગઢ મંદિર | 6,47,712 | 6,78,508 | 5,23,307 | 5,33,281 |
6 | અંબાજી મંદિર | 5,18,64 | 9,47,714 | 6,48,890 | 9,27,423 |
7 | સાયન્સ સિટી | 79,984 | 87,010 | 1,27,568 | 1,08,408 |
8 | વડનગર | 31,247 | 41,302 | 33,341 | 35,152 |
9 | સોમનાથ મંદિર | 7,62,558 | 5,64,676 | 10,18,113 | 9,24,585 |
10 | દ્વારકા મંદિર | 6,58,403 | 5,27,378 | 6,57,606 | 11,03,110 |
11 | ગીર-દેવળીયા સફારી | 68,580 | 55,998 | 1,16,011 | 1,06,935 |
12 | અમદાવાદ મેટ્રો | 15,63,501 | 23,06,591 | 20,05,374 | 25,47,534 |
કુલ | 52,30,675 | 61,44,220 | 62,60,273 | 73,87,379 |
અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.