જીવનને કેવી રીતે માણવું એ શીખો મુંબઈના 90 વર્ષના આ ગુજરાતી પાસેથી

આજકાલ હાર્ટ એટેક કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે નાની ઉંમરે જ જીવ ગૂમાવતા લોકોના અનેક કિસ્સાઓ આપણે જોયા છે અને સાંભળ્યુ છે.ત્યારે આપણે વાત કરવાની છે એક એવી વ્યક્તિની જેમણે પોતાના જીવનની 90 વર્ષ સુધીની સફર ખેડી છે. આટલી ઉંમર સુધી ન માત્ર જીવનને માણ્યુ છે પરંતુ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ પોતાને જાતને આગળ રાખે છે.

હરગોવિંદ દાસ ભાઈ

“મારા જીવનનો એક મુખ્ય મંત્ર છે,જેનું હું ચોક્કસપણે પાલન કરું છું અને લોકોને પણ કહું છું કે જીવનમાં હંમેશા ખુશ રહેવું. તૈયાર થઈને અપટુડેટ રહેવું અને ગમતું કામ કરવું. આ જીવન મંત્ર સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મોટી ભૂમિકા નિભાવે છે” આ શબ્દો છે હરગોવિંદ દાસ મનસુખલાલ ત્રિવેદીના.

મુંબઈના મળવા જેવા માણસ

હરગોવિંદ દાસ મનસુખલાલ ત્રિવેદી 90 વર્ષના છે.એકદમ ફિટ, ખુશખુશાલ,સંતોષકારક, કામમાં સક્રિય અને વિવિધ રમતોમાં ભાગ લેતા તથા જીવનની દરેક પળને માણતાં વ્યક્તિ. તે હજી પણ પોતાના વ્યવસાયમાં એક યુવાન જેવો જુસ્સો અને ઊર્જા ધરાવે છે. હરગોવિંદ દાસ મુંબઈના ચર્ચગેટમાં રહે છે. તે વ્યવસાયે જ્યોતિષ તો છે જ સાથે સાથે આટા મેંદા કંપનીમાં જોબ પણ કરે છે. તે એક સારા કૂક પણ છે. ઘણીવાર ઘરના સભ્યો માટે સ્વાદિષ્ટ વ્યંજન બનાવી પરિવારમાં ખુશીનું વાતાવરણ ઉભું કરવા જેવી તેમની કેટલીક રીતોમાં પણ તેમનું ખુશમિજાજ વ્યક્તિત્વ છલકાય છે. તાજેતરમાં જ હરગોવિંદ દાસના પરિવારે તેમનો 90મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

ચિત્રલેખા ડૉટ કૉમે હરગોવિંદ દાસ ત્રિવેદી સાથે વાત કરી તેમની ફિટનેસ અને એનર્જેટિક વ્યક્તિત્વ પાછળના રહસ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં ધ્યેય હોવો અનિવાર્ય છે. ઉદ્દેશલક્ષી બનવુ એ મારી પ્રાથમિકતા છે. તેમજ હું માનું છું કે જીવનમાં ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. હું જિંદગીની દરેક ક્ષણને માણું છું. મને તૈયાર થઈને ટીપટોપ રહેવું ગમે છે. આનંદ તમને સકારાત્મકતા તરફ દોરે છે. હંમેશા કંઈકને કંઈક કામ કરતા રહેવું તમને ઊર્જાવાન બનાવે છે. આ સાથે જ કેટલાક સિદ્ધાંતોને પણ અનુસરું છું. નીતિનો માર્ગ ક્યારેય ન છોડવો અને લોકો પ્રત્યે દયાભાવ રાખવો એ જીવનને આનંદમય અને અતિસુંદર બનાવે છે.

પોતાના રૂટિન વિશે વાત કરતા તેમણે ઉમેર્યુ કે ફિટ રહેવા માટે હું પ્રમાણસર જ ખોરાક લઉં છું. સમયસર ભોજન લેવું અને યોગ્ય પ્રમાણમાં લેવું. આ બે માપદંડોએ મારા તંદુરસ્ત સ્વાસ્થ્યમાં મોટી ભૂમિકા ભજવી છે. દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરું છું.

એજ ઈજ જસ્ટ નંબર

‘Age is just number’ વાક્યને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે આ મુંબઈકરે. ઢળતી ઉંમરે જ્યારે લોકો નિવૃત્તિ લેવાનું વિચારતા હોય છે ત્યારે હરગોવિંદ દાસ ત્રિવેદી જોબની સાથે સાથે મેરેથોન અન સ્વિમિંગ પ્રવૃત્તિમાં રુચિ દાખવી રહ્યા છે. કોરોના કાળ પહેલા તેમણે મેરેથોનમાં બે વખત ભાગ લીધો હતો. દર અઠવાડિયે ઓફિસ જઈને કામકાજ સંભાળે છે. તેમજ સ્વિમિંગ માટે પણ પૂરતો સમય કાઢી લે છે. તેમની પહેલી પત્નીના નિધન બાદ 60 વર્ષની વયે તેમણે બીજા લગ્ન કર્યા છે. તેમના બીજા લગ્નને પણ 30 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમને પાંચ હજારથી પણ વધુ વાર્તાઓ મોઢે છે.

દેશની આઝાદ વખતે થયેલી લડતના પણ તેઓ સાક્ષી રહ્યાં છે. મુંબઈના આઝાદ મેદાનમાં થયેલા અનેક રાજકીય ભાષણોનો તેઓ ભાગ રહી ચૂક્યા છે. હરગોવિંદ દાસે મહાત્મા ગાંધી અને જવાહર લાલ નહેરુ સહિતના
નેતાઓના ભાષણ સાંભળેલા છે.

હરગોવિંદ દાસ ભાઈ વિશે જાણ્યા પછી જીવન પ્રત્યેનો પ્રેમ વધી જાય. તે એ તમામ લોકો માટે પ્રેરણા છે જે જીવનમાં ખુશ રહેવાના રસ્તાઓ શોધી શકતા નથી.

(નિરાલી કાલાણી, મુંબઈ)