યુક્રેનને શસ્ત્રો મોકલવાના દાવા પર ભારતે આપી પ્રતિક્રિયા

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પર મોટા આરોપો લાગ્યા છે, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રોઇટર્સના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય શસ્ત્રો યુક્રેન મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે રોઇટર્સના આ અહેવાલને નકારી કાઢ્યો હતો.

વિદેશ મંત્રાલયે યુક્રેનમાં શસ્ત્રો મોકલવાના અહેવાલને કાલ્પનિક અને ભ્રામક ગણાવ્યો છે. જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે કારણ કે ભારતે કોઈ નિયમ તોડ્યો નથી. MEAએ કહ્યું કે અમે રોઇટર્સનો રિપોર્ટ જોયો છે, તે સંપૂર્ણપણે અનુમાન પર આધારિત છે અને તેમાં કોઈ સત્ય નથી.

ભારતે રોઈટર્સના અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ભારત તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સંપૂર્ણ નિષ્પક્ષતાથી નિભાવે છે. ભારત પાસે નિકાસ માટે મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું પણ છે. સંરક્ષણ સામગ્રીની નિકાસમાં ભારતનો રેકોર્ડ નિષ્કલંક છે. અંતિમ વપરાશકર્તાની જવાબદારીઓ અને પ્રમાણપત્રોનું પણ તમામ માપદંડો સામે મૂલ્યાંકન કરવામાં આવે છે. રોયટર્સના અહેવાલમાં ભારતની છબી ખોટી રીતે દર્શાવવામાં આવી છે.