ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, પાંચનાં મોત

બનાસકાંઠાઃ GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની શક્યતા છે. આ ભીષણ આગમાં પાંચ લોકોનાં મોત છે જ્યારે પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ડીસાની જીઆઈડીસીમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાને કારણે ત્યાં જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ફાયક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ આગને કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે,  જેને હોસ્પિટલ સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.

આ અંગેની સમાચાર મળતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરની ટીમ સાથે ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.