લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ, દર્દીઓને સુરક્ષિત રીતે બચાવ્યા

લખનઉ: સોમવારે મોડી રાતે લોકબંધુ હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં હજારો દર્દીઓ દાખલ હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

લખનઉના ડી.એમ. વિશાખ જી. ઐયરે જણાવ્યું હતું કે, ‘લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગવાની માહિતી મળતા જ અમે ફાયર અને રેસ્ક્યુ વિભાગની એક ટીમને ઘટનાસ્થળે મોકલી હતી.’ તેમણે બચાવ કામગીરી શરૂ કરી. આગથી ICU, મહિલા વોર્ડ અને બીજો એક વોર્ડ પ્રભાવિત થયો હતો. આ વોર્ડમાંથી બધા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમને 3 હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

બીજા માળે આગ
હોસ્પિટલના બીજા માળે આગ લાગી હતી. દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગની જ્વાળાઓ વિશાળ અને ભીષણ હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.

સીએમ યોગીએ નોંધ લીધી
આગને કારણે હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી અને દર્દીઓ અને તેમના સંબંધીઓને ઉતાવળમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ડી.સી.પી. સહિત ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓ પાસેથી ફોન પર ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી. આગની માહિતી મળતા જ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક લોકબંધુ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આગ કાબૂમાં આવી ગઈ

ડી.સી.પી. સાઉથ નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. લોકબંધુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.